Kuldeep Sengar: ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષિત અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે સેંગરની એક અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે પીડિતાના પિતાના પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં થયેલી 10 વર્ષની જેલની સજાને મોકુફ રાખવાની અને જામીન આપવાની માંગ કરી હતી.
આ કિસ્સામાં નરમાશ દાખવી જ ના શકાયઃ હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર દુદેજાએ કુલદીપ સેંગરની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં નીચલી કોર્ટે પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં સેંગરને દોષિત ઠેરવતા 10 વર્ષની સજા ફટકારી હતી. આ મુદ્દે કોર્ટે અવલોકન કર્યું હતું કે પરિવારના એકમાત્ર કમાતા સભ્યની હત્યાના કિસ્સામાં કોઈ પણ પ્રકારની નરમાશ દાખવી શકાય નહીં.
નોંધનીય છે કે, કુલદીપ સેંગર એપ્રિલ 2018થી જેલમાં છે, જે તે સગીરા પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો છે.
પીડિતા તરફથી હાજર વકીલની આક્રમક દલીલો
પીડિતા પક્ષની દલીલો પીડિતા તરફથી હાજર રહેલા વકીલ મહેમૂદ પ્રાચાએ કુલદીપ સેંગરની મુક્તિનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, જો સેંગર જેલની બહાર આવશે, તો તે પીડિતા અને તેના પરિવાર માટે મોટો ખતરો બની શકે છે. સોશિયલ મીડિયા પર પણ પીડિતાને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે મોટો 'ખેલ' કરવાની તૈયારીમાં? શિંદે 'આઉટ', ભાજપને સીધો ફાયદો
કુલદીપ સેંગરના વકીલની દલીલો ફગાવી દેવાઈ
બીજી તરફ, કુલદીપ સેંગરના વકીલે દલીલ કરી હતી કે, કુલદીપ સેંગર લગભગ 9 વર્ષથી જેલમાં છે. તેની 10 વર્ષની સજામાં માત્ર 11 મહિના બાકી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, 3 એપ્રિલ, 2018ના રોજ પીડિતાના પિતા પર હુમલો થયો હતો, ત્યારે સેંગર ઘટનાસ્થળે હાજર નહોતો. જોકે, કોર્ટે તમામ પાસાં ધ્યાનમાં રાખીને કુલદીપ સેંગરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે, ઉન્નાવમાં વર્ષ 2017માં નોકરી આપવાના બહાને કુલદીપ સેંગરે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પીડિતાના પિતાને હથિયાર રાખવાના ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી 9 એપ્રિલ, 2018ના રોજ પોલીસ કસ્ટડીમાં ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં કુલદીપ સેંગર સહિત તેના ભાઈ અતુલ સિંહ સેંગર અને અન્ય પાંચ લોકોને પણ સજા થઈ છે.


