10 અને 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધના આદેશ પર કરો પુનર્વિચાર, દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ
Delhi old Vehicle Ban Appeal: દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના વર્ષ 2018ના આદેશ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. અરજીમાં દિલ્હી સરકારે કહ્યું છે કે, 'BS-6 ધોરણના વાહનો જૂના BS-4 વાહનો કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેથી, ફક્ત વાહન જૂના હોવાના આધારે તેના પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી' જણાવી દઈએ કે BS6 એટલે ભારત સ્ટેજ 6, જે ભારત સરકાર દ્વારા વાહનો માટે નિર્ધારિત ઉત્સર્જન ધોરણ છે.
દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટ પાસે એવી માંગ કરી છે કે, તે કેન્દ્ર સરકાર અથવા એર ક્વોલીટી મેનેજમેન્ટ કંપની(AQMC) ને આદેશ આપે કે, NCR માં 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોના સંચાલન પર એક વિસ્તૃત, વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવામાં આવે.
દિલ્હી સરકારનું કહેવું છે કે, 'ફક્ત વાહન જૂના હોવાના આધારે તેને રસ્તા પરથી હટાવવાનો આદેશ મધ્યમ વર્ગના લોકોને ઘણી અસર કરી શકે છે. ખાસ કરીને એવા લોકો કે જેમના વાહનોનો ઓછો ઉપયોગ થાય છે, તેમજ જેમના વાહનોની સારી રીતે જાળવણી કરવામાં આવી છે અને જેઓ પ્રદૂષણના નિયમોનું પાલન કરે છે.' ઘણા અભ્યાસો દર્શાવે છે કે આવા વાહનોનું વાર્ષિક માઇલેજ ઘણીવાર ઓછું હોય છે અને કુલ પ્રદૂષણમાં તેમનો ફાળો નજીવો હોય છે.
1 નવેમ્બરથી નિયમ લાગુ પડશે
કમિશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ (CAQM)એ આજે એક બેઠકમાં નિર્ણય લીધો છે કે, 1 નવેમ્બર, 2025થી દિલ્હી અને NCR ના કેટલાક જિલ્લાઓમાં જૂના વાહનો પર ઈંધણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આ નિર્ણય દિલ્હી સરકારની સમીક્ષા પછી લેવાયો છે. દિલ્હી સરકારે અગાઉ 10-15 વર્ષ જૂની ડીઝલ અને પેટ્રોલ ગાડીઓને ઈંધણ ન આપવા અને જપ્ત કરવાની ઝુંબેશને પડતી મૂકી હતી. હવે CAQMએ પણ તેના નિર્દેશ નંબર 89 માં ફેરફાર કરવાના સંકેત આપ્યા છે.