Get The App

મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?', નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવાલ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?', નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવાલ 1 - image


Delhi BMW Accident Case:  ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોત સિંહ તેમની પત્ની સાથે બંગલા સાહિબ ગુરુદ્વારાથી હરિ નગર સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે BMW કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેમાં તે અને તેમની પત્ની બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હવે નવજોત સિંહના મોત પર તેમના દીકરાએ સવાલ ઉઠાવ્યા છે. 

યોગ્ય સારવારના અભાવે મારા પિતાનું મૃત્યુ થયું

નવજોત સિંહના પુત્ર નવનૂર સિંહનો આરોપ છે કે, 'અકસ્માત પછી મારા પિતાને મોટી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ કે AIIMS જેવી સંસ્થામાં લઈ જવાને બદલે 22 કિમી દૂર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. મારા માતાપિતાને એમ્બ્યુલન્સને બદલે ડિલિવરી વાનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. યોગ્ય સારવારના અભાવે મારા પિતાનું મૃત્યુ થયું છે.'

અકસ્માત સ્થળથી 22 કિમી દૂર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા

નવનૂરે જણાવ્યું કે, 'મારા માતા-પિતા બંગલા સાહિબ ગુરુદ્વારાથી પરત ફરી રહ્યા હતા અને કર્ણાટક ભવનમાં જમવા માટે રોકાયા હતા. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તેઓ ધૌલા કુઆન થઈને હરિ નગર જઈ રહ્યા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાને બદલે અકસ્માત સ્થળથી લગભગ 22 કિમી દૂર આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.'

આ પણ વાંચો: દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર

તેમણે દાવો કર્યો કે, મારી માતા ગંભીર હાલતમાં હોવા છતાં તેમને હોસ્પિટલની લોબીમાં બેસાડવામાં આવ્યા હતા, તે પીડાથી ચીસો પાડી રહી હતી જ્યારે BMW ડ્રાઈવરના પતિ, જેને સામાન્ય ઈજાઓ થઈ હતી, તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો. બેદરકારી અને વિલંબને કારણે મારા પિતાનું મૃત્યુ થયું છે. બાદમાં પરિવારે માતાને વધુ સારી સારવાર માટે વેંકટેશ્વર હોસ્પિટલમાં દાખલ કરી.

પોલીસનું નિવેદન સામે આવ્યું

દિલ્હી પોલીસે જણાવ્યું કે, 'કલમ 281/125B/105/238 BNS હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન FSL ટીમ અને ક્રાઈમ ટીમે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું છે. અકસ્માતમાં સામેલ બંને વાહનો BMW અને મોટરસાઈકલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેનો પતિ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. વધુ તપાસ ચાલુ છે.'

Tags :