નેપાળમાં બળવા બાદ ભારતનું ટેન્શન વધ્યું: સરહદ પર અત્યાર સુધી 79 કેદીઓની ધરપકડ, ચેકપોઈન્ટ પર હાઈઍલર્ટ
Nepal-India border on Alert: નેપાળમાં હિંસાના કારણે નેપાળની સરહદ પર સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. નેપાળની જેલોમાંથી સેંકડો કેદીઓ ફરાર થઈ ગયા છે અને તેમની ધરપકડ માટે ત્યાં પણ કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ, આ કેદીઓમાંથી ઘણા બિહારના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા કેદીઓને સરહદ પરથી પકડવામાં આવ્યા છે, જેમાં કેટલાક ખુંખાર ગુનેગારો પણ સામેલ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બિહાર પોલીસ હેડક્વાર્ટરે જિલ્લાના પોલીસ અધિક્ષકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે અને સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા સરહદ પર દેખરેખ વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
નેપાળની જેલમાંથી ભાગી છૂટેલા 79 કેદીઓ ભારતીય સરહદ પર ઝડપાયા
નેપાળની વિવિધ જેલોમાંથી ભાગી છૂટેલા કુલ 79 કેદીઓને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા ભારત-નેપાળ સરહદ પરની જુદી જુદી ચોકીઓ પરથી પકડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેદીઓમાં 29 થી 40 વર્ષની વયના છે. જેમાં બે નાઇજીરીયન, એક બ્રાઝિલિયન અને એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે.
SSB ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ઘૂસે તે પહેલા જ પકડ્યા
નેપાળ આર્મીને જેલોની આસપાસ તહેનાત કરી દેવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દરમિયાન ભારત દ્વારા SSBએ પોતાની જવાબદારી સંતોષકારક રીતે નીભાવીને ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ધૂસે તે પહેલા જ પકડી પાડ્યા છે. તેમજ પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવી છે, જેથી કોઈ ભાગી ગયેલો કેદી ભારતીય સરહદમાં પ્રવેશી ન શકે.
આ પણ વાંચો: અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 32ના મોત
SSBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળમાં ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. જેના કારણે ત્યાંની જેલોમાં ભાગવું સરળ બન્યું હતું. સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીને કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા. પરંતુ ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યા.