Get The App

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
Delhi Car Blast

Delhi Car Blast: સોમવારે સાંજે લગભગ 6.52 વાગ્યે લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ સુરક્ષા કારણોસર, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(ASI)એ ઐતિહાસિક લાલ કિલ્લાને આગામી ત્રણ દિવસ (મંગળ, બુધ અને ગુરુવાર) માટે સામાન્ય જનતા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન, પોલીસ, NSG અને ફોરેન્સિક ટીમ પુરાવાની તપાસ કરશે અને લાલ કિલ્લાની આસપાસની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરશે.

આગામી ત્રણ દિવસ સુધી લાલ કિલ્લો બંધ

આ મામલે દિલ્હી પોલીસે UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ દાખલ કર્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા એજન્સીઓ દિલ્હી, NCR, મુંબઈ અને યુપીમાં હાઇઍલર્ટ પર છે. આ ઉપરાંત ASIએ લોકોને આગામી ત્રણ દિવસ સુધી લાલ કિલ્લાના પરિસરની આસપાસ ન જવાની અપીલ કરી છે, સુરક્ષા તપાસ પૂરી થયા પછી જ સ્મારક ફરી ખુલશે.

ટેસ્ટ મેચ પહેલા કોલકાતામાં કડક સુરક્ષા વ્યવસ્થા 

દિલ્હીમાં થયેલા વિસ્ફોટના પગલે, 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં શરુ થનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. કોલકાતા પોલીસ કમિશ્નર મનોજ વર્માએ હાઇઍલર્ટની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે, 'દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) તૈનાત કરીને વિશેષ અને વધારાના સુરક્ષા પગલાં લેવાઈ રહ્યા છે.' 

આ પણ વાંચો: Delhi Blast : 1000 પોલીસ જવાનોનું મેગા સર્ચ ઓપરેશન, લાલ કિલ્લો ત્રણ દિવસ બંધ, મૃત્યુઆંક 12

કોલકાતા પોલીસે સમગ્ર શહેરમાં, ખાસ કરીને ઈડન ગાર્ડન અને આસપાસ સુરક્ષા વધારી દીધી છે; CAB અધિકારીઓ અને પોલીસ કમિશ્નર વચ્ચે મંગળવારે સુરક્ષાની સમીક્ષા બેઠક યોજાવાની છે. સ્ટેડિયમમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિની ઓછામાં ઓછી બે વાર મેટલ સ્કેનરથી તપાસ થશે, સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે અને શંકાસ્પદ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, બંને ટીમ જે હોટલોમાં રોકાઈ છે ત્યાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે, જેના કારણે ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરનો કાલીઘાટ મંદિર જવાનો મંગળવારનો કાર્યક્રમ સ્થગિત થઈ શકે છે.

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય 2 - image

Tags :