દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો

Delhi Red Fort Blast: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં સતત મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓએ મહત્ત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. આતંકીઓની યોજના માત્ર દિલ્હી જ નહીં પરંતુ અન્ય ચાર શહેરોમાં આતંક મચાવવાની હતી. લગભગ આઠ શંકાસ્પદ આતંકીઓએ ચાર શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.
શંકાસ્પદ આતંકીઓના નેટવર્કની તપાસ
અહેવાલો અનુસાર, આ આઠ શંકાસ્પદોએ ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં બે સભ્યો હતા. દરેક ગ્રુપ પાસે અનેક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વહન કરવાના હતા. બધી ટીમો ચાર શહેરોમાં એક સાથે બોમ્બ વિસ્ફોટ કરવાના હતા. સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરી રહી છે.
આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ
10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ મામલે પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ
સરકારે માન્યું- દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો
ઉલ્લેખનીય છે કે, બુધવારે (12મી નવેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. NIA દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.

