Get The App

ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી! ડ્રોન-રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી! ડ્રોન-રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ 1 - image
NIAએ એક દિવસ પહેલા જ આત્મઘાતી હુમલાખોર ડૉ.ઉમરના સાથી આમિર રાશિદ અલીની ધરપકડ કરી હતી

Delhi Blast Case : દિલ્હી વિસ્ફોટ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ આત્મઘાતી હુમલાખોર ડૉ. ઉમરના સાથી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનિશની શ્રીનગરથી ધરપકડ કરી છે. કડક સુરક્ષા વચ્ચે તેને દિલ્હી લાવવામાં આવ્યો છે.

ડ્રોન-નાના રોકેટથી ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂછપરછ દરમિયાન જાસિરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ આતંકી મોડ્યુલ હેઠળ હમાસની જેમ ડ્રોન અને નાના રોકેટ બનાવીને ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આતંકીઓ ડ્રોનને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ડ્રોનને મોડિફાઈ કરી હથિયાર બનાવવાની યોજના

તપાસમાં ખુલાસો થયો છે કે, આતંકવાદીઓ એવા ડ્રોન તૈયાર કરવાની ફિરાકમાં હતા, જેને મોડિફાઈ કરીને હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય. ડ્રોનમાં કેમેરા અને બેટરીની સાથે નાના બોમ્બ લગાવવાની તૈયારી હતી, પરંતુ તે પહેલા જ આ મોડ્યુલનો ઘટસ્ફોટ થઈ ગયો છે. NIAએ પકડેલો આતંકવાદી દાનિશ આ પ્રકારના ડ્રોન બોમ્બ બનાવવામાં માહેર હતો. યોજના મુજબ, આતંકવાદી ડ્રોનને ભીડવાળી જગ્યા અથવા સુરક્ષા સ્થળ પર લઈ જઈને વિસ્ફોટ કરવા માંગતો હતો. સીરિયા, ગાઝા અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં હમાસ અને અન્ય સંગઠનો દ્વારા જે રીતે હુમલા કરવામાં આવયા હતા, તે રીતે ભારતમાં પણ ડ્રોન હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું.

આ પણ વાંચો : શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત 

હુમલાખોર ઉમરનો ખાસ સાથી

દાનિશ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારનો રહેવાસી છે. તેના પર આક્ષેપ છે કે, તે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે ટેકનિકલ મદદ કરતો હતો. જાસિરે વિસ્ફોટ કરનાર આતંકી ઉમર ઉન નબી સાથે મળીને આ હુમલાની તૈયારી કરી હતી. દાનિશ હુમલાખોર ઉમરનો ખાસ સાથી હોવાનું મનાય છે અને તે હુમલાના કાવતરાના દરેક તબક્કામાં સામેલ હતો.

એક દિવસ પહેલા આમિર રાશિદ અલીની ધરપકડ કરાઈ હતી

NIAએ એક દિવસ પહેલા જ ઉમરના અન્ય એક સાથી આમિર રાશિદ અલીની પણ ધરપકડ કરી હતી. કાશ્મીરનો રહેવાસી આમિર પર આરોપ છે કે, તેણે ઉમર સાથે મળીને વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું હતું. દિલ્હી વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ કરાયો હતો, તે પણ આમિરના નામ પર રજિસ્ટર્ડ હતી. એનઆઈએએ દિલ્હી બ્લાસ્ટને દેશનો પહેલો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબી પુલવામાનો રહેવાસી હતો અને હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો.

આ પણ વાંચો : બાંગ્લાદેશને સોંપો શેખ હસીના, ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર

Tags :