Get The App

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટે ભૂલથી ખોટા રનવે પર ઉતારી દીધું હતું વિમાન, તપાસમાં મોટો ખુલાસો

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
Afghanistan Plane News


Afghanistan Plane News : ગયા વર્ષે 23 નવેમ્બરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતા રહી ગઈ હતી. અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઈન્સની ફ્લાઈટ AFG311 નિર્ધારિત રનવે 29Lને બદલે ભૂલથી રનવે 29R પર ઉતરી ગઈ હતી, જેનો ઉપયોગ તે સમયે ટેકઓફ માટે થઈ રહ્યો હતો. ચિંતાજનક વાત એ છે કે, તે જ સમયે તે જ રનવે પરથી અન્ય એક વિમાન, AIC2243, ટેકઓફ કરી રહ્યું હતું. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો(AAIB)એ આ ઘટના અંગે પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે.

રનવે પર ILS અને PAPI જેવી લેન્ડિંગ સિસ્ટમ્સ બંધ હતી

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રનવે 29R પર કોઈ લેન્ડિંગ સહાયક પ્રણાલી સક્રિય નહોતી. ન તો ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ(ILS) ચાલુ હતી, ન પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડિકેટર(PAPI) કે એપ્રોચ લાઈટ્સ. તેમ છતાં, ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે જ્યારે વિઝિબિલિટી માત્ર 1200 મીટર હતી, ત્યારે પાયલટ ભૂલથી ખોટા રનવે પર ઉતરી ગયા. ક્રૂ મેમ્બર્સે જણાવ્યું કે ટચડાઉનથી ચાર નોટિકલ માઈલ પહેલા ILS સિગ્નલ ગાયબ થઈ ગયો હતો. સમાંતર બનેલા બંને રનવેને અલગ-અલગ ઓળખવા મુશ્કેલ બની ગયા, જેના કારણે પાયલટ ભ્રમિત થઈ ગયા.

આ પણ વાંચો: સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે AAIB દ્વારા વિગતવાર તપાસનો આદેશ

AAIBએ એ પણ સ્પષ્ટ કર્યું કે ફ્લાઈટે એર ટ્રાફિક કંટ્રોલ(ATC)ના નિર્દેશોનું પાલન કર્યું ન હતું. ATC દ્વારા વારંવાર ક્લિયરન્સ મળ્યા પછી પણ, વિમાન ખોટા રનવે તરફ આગળ વધતું રહ્યું. તપાસમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો ડેટા તો સુરક્ષિત રહ્યો, પરંતુ કોકપિટ વોઈસ રેકોર્ડરનો ડેટા ઓવરરાઈટ થઈ ગયો હતો, જેના કારણે પાયલટ વચ્ચેની વાતચીતની મહત્ત્વપૂર્ણ જાણકારી ગુમાવાઈ ગઈ છે. AAIBએ આ ઘટનાને ઉડ્ડયન સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર ગણાવી છે અને કહ્યું છે કે આ ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે આ મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે.

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટે ભૂલથી ખોટા રનવે પર ઉતારી દીધું હતું વિમાન, તપાસમાં મોટો ખુલાસો 2 - image