Supreme Court Overturns HC Order: સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી કે ડિગ્રી મેળવવાથી કોઈ ઉમેદવારને સરકારી નોકરીમાં સીધી નિમણૂક મેળવવાનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે નર્સિંગના વિદ્યાર્થીઓને નોકરી આપવા સરકારને આદેશ કર્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં આયુર્વેદિક નર્સિંગ તાલીમ અભ્યાસક્રમમાં વર્ષોથી એવી પ્રથા હતી કે સરકારી સંસ્થામાં તાલીમ લેનારા તમામ (મર્યાદિત 20 બેઠકો) ઉમેદવારોને સીધી સ્ટાફ નર્સ તરીકે નોકરી મળી જતી હતી. જોકે, 2011 પછી સરકારે આ નીતિ બદલી અને ખાનગી સંસ્થાઓને પણ આ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી. જેના કારણે લાયક ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો. ભાવના મિશ્રા અને અન્ય વિદ્યાર્થીઓએ 'જૂની પ્રથા' મુજબ નોકરીની માંગ કરતા હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
આ પણ વાંચો: સસ્તું ઓઈલ ખરીદવું એ પ્રાથમિકતા, નીતિ નહીં બદલીએ : ભારતનો અમેરિકાને જવાબ
સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન
સુપ્રીમ કોર્ટે નોકરીની માંગને નકારી કાઢતા જણાવ્યું હતું કે, 'સરકારી સંસ્થામાં નોંધણી કરાવવાથી સરકારી નોકરીમાં નિમણૂક થવાની અપેક્ષા રાખી શકાય નહીં, ખાસ કરીને જ્યારે ભરતીની નીતિમાં ફેરફાર થયો હોય. અગાઉ માત્ર 20 બેઠકો હતી ત્યારે સીધી ભરતી થતી હતી, પરંતુ હવે જ્યારે હજારો ઉમેદવારો લાયક છે, ત્યારે સરકાર જૂની પ્રથા ચાલુ રાખવા બંધાયેલી નથી.
કોર્ટે સ્વીકાર્યું કે ખાનગી સંસ્થાઓના પ્રવેશ બાદ સ્પર્ધા વધી છે, તેથી સરકારે પોતાની કોલેજોના વિદ્યાર્થીઓને આપમેળે નિયુક્ત કરવાની પ્રથા બંધ કરવી એ વાજબી નિર્ણય છે. આ ચુકાદાથી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સામાન્ય ભરતી પ્રક્રિયા કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થયા વિના નોકરીનો દાવો કરી શકશે નહીં. સરકારી નોકરી માટે લાયકાત અને નિર્ધારિત પસંદગી પ્રક્રિયા જ સર્વોપરી રહેશે.


