FOLLOW US

કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર થયેલ મોત પણ કોવિડ ડેથ ગણાશે : કોર્ટ

Updated: Jul 31st, 2022


પ્રયાગરાજ, તા. 31 જુલાઈ 2022, રવિવાર

કોવિડ-19 સંક્રમિત દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, કોવિડ-19થી સંક્રમિત દર્દીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક અથવા કોઈપણ કારણ હોઈ શકે છે પરંતુ તેને કોરોનાના કારણે થયેલું મૃત્યુ જ માનવામાં આવશે. કુસુમલતા અને અન્ય લોકોની અરજીઓ પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ વિક્રમ ડી ચૌહાણની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડ પીડિતોના મૃત્યુ બાદ તેમના આશ્રિતોને 30 દિવસની અંદર અનુગ્રહ રકમ ચૂકવવાની રહેશે અને એક મહિનામાં ચૂકવવામાં ન આવે તો તે રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવી જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યુ કે કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં થયેલા મૃત્યુ પુરાવાના માપદંડને પૂર્ણરીતે સાચા સાબિત કરે છે. હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણનો ઉલ્લેખ કરતા મેડિકલ રિપોર્ટ કોવિડ-19 સંક્રમણથી અલગ કરીને ન જોઈ શકાય. કોવિડ-19 એક સંક્રમણ છે. આ સંક્રમણ કોઈપણ અંગને અસર કરી શકે છે. જેના કારણે લોકોના મોત થઈ શકે છે. કોરોના ફેફસાં અને હાર્ટને નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેક મૃત્યુનું કારણ બની શકે છે.

હાઈકોર્ટે સંક્રમણ પછી મૃત્યુ માટે 30 દિવસની સમય મર્યાદાને પણ ખોટી ગણાવી છે. કોર્ટે સરકારને આ અરજી દાખલ કરનાર અરજદારને 25,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

અરજદારોએ પ્રાથમિક રીતે 1 જૂન 2021ના સરકારી આદેશની કલમ 12ને પડકારી હતી. દાવાની મહત્તમ મર્યાદા નક્કી કરતા આ મુદ્દાઓ છે. આ આદેશ હેઠળ કોરોનાથી સંક્રમિત થયાના 30 દિવસની અંદર મૃત્યુના કિસ્સામાં વળતરની ચુકવણી માટે અરજીની વાત કહેવામાં આવી હતી. આ મુદ્દાને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હવે તેના પર નિર્ણય આવી ગયો છે.

અરજદારોએ તર્ક આપ્યો હતો કે, આ આદેશનો ઉદ્દેશ્ય તે પરિવારને વળતર આપવાનો છે જેમણે કોરોનાને કારણે પંચાયત ચૂંટણી દરમિયાન પોતાના પરિવારના કમાતા વ્યક્તિને ગુમાવી દીધા છે. કોર્ટમાં અરજદારે કહ્યું કે સરકારી અધિકારીઓ માને છે કે તેમના માતા-પિતા કોવિડ-19થી મૃત્યુ પામ્યા છે, પરંતુ આદેશની કલમ 12માં નિર્ધારિત સમય મર્યાદામાં મૃત્યુ ન થવાને કારણે વળતરનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

હવે આ આદેશ બાદ તે પરિવારોને થોડી રાહત મળશે જેમના મૃત્યુનું કારણ કોવિડ -19 માનવામાં આવતું ન હતું જ્યારે તેઓ કોવિડ સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ હતા.


Gujarat
English
Magazines