'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
Dalai Lama Birthday: તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાના 90માં જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, પરમ પાવન દલાઈ લામા, નિશ્ચિત પરંપરાઓ અને રિવાજ અનુસાર જે પણ નિર્ણય લેશે, તેને અમે સૌ સંપૂર્ણપણે માન્ય ગણીશું. અને દલાઈ લામા તરફથી આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીશું. રિજિજૂએ દલાઈ લામાને સંબોધિત કરતાં કહ્યું કે, તમારી પવિત્રતા, એક આધ્યાત્મિક નેતાથી પણ અધિક છે. તે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિશ્વ વચ્ચેનો જીવંત સેતુ છે. અમે અમારા દેશમાં તેમની ઉપસ્થિતિને ધન્ય ગણીએ છીએ. જેને તેઓ પોતાની આર્યભૂમિ માને છે.
દલાઈના ઉત્તરાધિકારી પર થઈ રહ્યો વિવાદ
ઉલ્લેખનીય છે, દલાઈ લામાના ઉત્તરાધિકારીના નામ પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચીને નિવેદન જાહેર કરી જણાવ્યું કે, દલાઈ લામાએ પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે ચીન સરકારની મંજૂરી લેવી પડશે. ચીનના નિયમો, કાયદા, અને ધાર્મિક તથા ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરવુ પડશે. ચીનના આ પ્રકારના નિવેદનનો દલાઈ લામાએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
માત્ર તિબેટના ધર્મગુરૂઓ પાસે છે અધિકાર
ચીનની દલાઈ લામા વિરૂદ્ધની અડોડાઈનો તેમણે આકરો જવાબ આપ્યો હતો કે, મારા ઉત્તરાધિકારીને માન્યતા આપવાનો અધિકાર માત્ર તિબેટના ધર્મગુરૂઓ પાસે છે. કોઈને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની સત્તા નથી. જ્યારે ભારત સરકારે દલાઈ લામાના નિર્ણયને સમર્થન આપતાં ચીન નારાજ થયું હતું. કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, દલાઈ લામાને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવાનો હક છે. રિજિજૂના આ સમર્થન પર ચીને નારાજગી વ્યક્ત કરી હતી. ચીને ગત શુક્રવારે કહ્યું હતું કે, તિબેટ સાથે સંકળાયેલા મુદ્દા પર ભારતે સાવચેતી રાખવી જોઈએ. જેના પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, ભારત સરકાર આસ્થા અને ધાર્મિક પ્રથાઓ સાથે જોડાયેલા મામલામાં કોઈ વલણ કે નિવેદન આપતી નથી.
I join 1.4 billion Indians in extending our warmest wishes to His Holiness the Dalai Lama on his 90th birthday. He has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths. We pray for his…
— Narendra Modi (@narendramodi) July 6, 2025
PM મોદીએ જન્મદિનની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દલાઈ લામાને તેમની 90મી વર્ષગાંઠ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, 140 કરોડ ભારતીયો તરફથી પરમ પૂજ્ય દલાઈ લામાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ પ્રેમ, કરુણા, ધીરજ અને નૈતિકતાના પ્રતિક છે. ધર્મશાળાના મેક્લોડગંજના ચુગલાખંગ બૌદ્ધ મઠમાં દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરતો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, રાજીવ રંજન, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેતા રિચર્ડ ગેરે સહિતના દિગ્ગજો ઉપસ્થિત છે.