Get The App

વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે 1 - image

- શ્રીલંકામાં વાવાઝોડાંએ ૫૬નો ભોગ લીધો

- ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગરબધુ લોન્ચ કર્યુ  

નવી દિલ્હી : શ્રીલંકામાં વાવાઝોડા દિત્વાએ ભયંકર ખાનાખરાબી સર્જી છે. તેના કારણે શ્રીલંકામાં અવિરત વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. તેના કારણે મરનારાની સંખ્યા ૫૬ પર પહોંચી ગઈ છે અને ૨૧ જણા હજી પણ લાપતા છે. આ વાવાઝોડું દિત્વા ભારત પર હવે ૩૦મી નવેમ્બરના રોજ ત્રાટકશે. 

આ તોફાનના કારણે શ્રીંલંકાના કેટલાય જિલ્લાના ૪૪ હજાર લોકો પ્રભાવિત થયા છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે કુલ બાર હજારથી પણ વધારે કુટુંબો અસર પામ્યા છે. હાલમાં આ વાવાઝોડું શ્રીલંકાના પૂર્વી કિનારા ત્રિકોમાલી ખાતે છે. વાવાઝોડાના કારણે આખા શ્રીલંકામાં પ્રતિ કલાક ૮૦થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

શ્રીલંકાની એરલાઇન્સે જણાવ્યું હતું કે ભારે પવનના કારણે તેમણે ફ્લાઇટ કોચી અને તમિલનાડુ એરપોર્ટ ખાતે ટ્રાન્સફર કરવી પડી છે. આ વાવાઝોડાની અસર ભારતના પણ દક્ષિમ હિસ્સામાં દેખાવવા માંડી છે. ભારતમાં દિત્વા વાવાઝોડું ૩૦ નવેમ્બરે પહોંચે તેમ માનવામાં આવે છે. ૩૦ નવેમ્બરે તે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં પહોંચશે. હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે વરસાદ અને હવાના ખતરાની ચેતવણી જારી કરી છે. હાલમાં તો હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

ભારતે કટોકટીની સ્થિતિમાં શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યુ છે. ભારતીય નૌકાદળના જહાજ શ્રીલંકાને મદદ કરવા માટે જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અને માલસામગ્રી લઈને ત્યાં પહોંચી ગયા છે.

Tags :