India

વાવાઝોડું ‘ચાંપી’થી ભારે તબાહીની આશંકા : તાઈવાન-ચીન-જાપાનમાં ઍલર્ટ, વિમાની સેવા ખોરવાઈ

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું 'ચાંપી' તાઈવાન તરફ આગળ વધી રહ્યું છે. 227 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને ઊંચા મોજાં સાથે તાઈવાન, ચીન અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ચેતવણી જાહેર કરાઈ છે. 225થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવાઝોડું ‘ચાંપી’થી ભારે તબાહીની આશંકા : તાઈવાન-ચીન-જાપાનમાં ઍલર્ટ, વિમાની સેવા ખોરવાઈ

Typhoon Champi : પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ‘ચાંપી’ હવે તાઈવાન તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે તાઈવાન, ચીન અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાના કેન્દ્ર નજીક પવનની ગતિ પ્રતિ કલાક 227 કિલોમીટર જેટલી નોંધાઈ છે. આ તોફાનના કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને મૂશળધાર વરસાદની શક્યતાને જોતાં તાઈવાન અને જાપાનમાં 225થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાનો વ્યાપ આશરે 320 કિલોમીટર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વાવાઝોડું તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની અત્યંત નજીક પહોંચશે. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધી ચીનના દરિયાકિનારા પાસેથી પસાર થઈને દક્ષિણ જાપાન તરફ વળવાની સંભાવના છે. આ વાવાઝોડાનો વ્યાપ આશરે 320 કિલોમીટર સુધી ફેલાયેલો હોવાથી તેની અસર આગામી બે દિવસ સુધી મોટા વિસ્તારમાં જોવા મળી શકે છે.

દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં અને ભારે વરસાદનું એલર્ટ

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને સુરક્ષિત રહેવા માટે મોબાઇલ પર ઈમરજન્સી ઍલર્ટ મોકલવામાં આવ્યા છે. દરિયામાં 6 મીટર એટલે કે આશરે 20 ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળવાનું જોખમ છે. આ ઉપરાંત ઉત્તરીય તાઈવાન અને પાટનગર તાઈપેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ નાગરિકોને સાવચેત રહેવા અને પર્વતીય કે દરિયાકાંઠાના સ્થળોએ જવાનું ટાળવા જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શકાય.

225થી વધુ ફ્લાઇટ્સ રદ, હજારો મુસાફરો અટવાયા

વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને તાઈવાનમાં 125 જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જાપાનના ઓકિનાવા પ્રાંતના યોનાગુની ટાપુ પરથી વાવાઝોડું પસાર થવાની શક્યતાને પગલે જાપાની એરલાઇન્સે 100થી વધુ ઉડાનો રદ કરી છે, જેના કારણે 11,000થી વધુ હવાઈ મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે.