સાયબર ક્રાઇમ : બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી
Cyber crime In India: એક સમયે લોકોના ઘરમાં ઘુસીને ચોરી કે રસ્તાઓ ઉપર લૂંટફાટ થતી હતી. પણ, આધુનિક જમાનામાં સાયબર ક્રાઈમએ નવુ ચોરી-લૂંટફાટનું નવુ સ્વરૂપ ધારણ કર્યું છે. નેટ બેન્કિંગના જમાનામાં સાયબર ચાંચિયાઓ એ હદે બેફામ બન્યાં છે કે, સવા ત્રણ વર્ષમાં ભારતના નાગરિકોના 145 અબજ રૂપિયાની ચોરી કરી છે. કેન્દ્રીય ગૃહવિભાગના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમની તપાસ કરતી પોલીસે સરેરાશ 10 ટકા બેન્ક ખાતાંઓ ફ્રીઝ કરતાં લોકોના 16 અબજ રૂપિયા અટવાયાં હતાં. આ મુદ્દે હોબાળો મચતાં ફ્રીઝ કરેલી રકમ એટલે કે લિયન એમાઉન્ટ છૂટ્ટી કરવા ઉચ્ચ સ્તરેથી આદેશો કરવા પડ્યા હતા. કમનસીબી એ છે કે, સાયબર ગુનો આચરતી ટોળકીનો ભોગ બનેલાં અનેક નાગરિકોને પોતાના પૈસા પાછા મેળવવા માટે પોલીસને 10થી 30 ટકા જેટલી રકમનું નૈવેદ્ય ધરવું પડતી હોવાની લોક ફરિયાદો હજુ પણ ઉઠી રહી છે.
773 જિલ્લાના 13279 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા માટે હવે દેશના તમામ રાજ્યોમાં કુલ 773 જિલ્લાના 13279 પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમના ગુના નોંધવા અને તેને રોકવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. નેશનલ લેવલે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરાંત દરેક રાજ્યમાં સ્ટેટ લેવલના સાયબર ક્રાઈમ સેલ અને રાજ્યોમાં જિલ્લા તેમજ મોટા શહેરોમાં સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યાં છે. આમ છતાં, વિદેશથી સંચાલન કરીને સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ ભારતમાંથી સામાન્ય નાગરિકોના અબજો રૂપિયા પડાવી લે છે.
સાયબર ફ્રોડર્સે 145 અબજ રૂપિયાનું ફુલેકું કર્યું
વર્ષ 2021થી માર્ચ-2024 સુધી ભારતમાં સાયબર ક્રાઈમની કુલ 21.61 લાખ ફરિયાદો નોંધાઈ. તેમાં નાગરિકોએ 145 અબજ રૂપિયા ગુમાવ્યાં છે. નાગરિકોની ફરિયાદના પગલે આ પૈસા પરત મેળવવા માટે જે બેન્ક ખાતાંમાં પૈસા ગયાં હોય તેને ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે. દેશમાં ઈ-ચીટિંગથી ગુમાવેલા પૈસામાંથી સરેરાશ 10 ટકા રકમ લિયન એટલે કે શંકાસ્પદ બેન્ક ખાતાંઓમાં ફ્રીઝ કરવામાં આવે છે. ફ્રીઝ કરાયેલાં 16 અબજ રૂપિયા બેન્ક ખાતાંઓમાં અટવાયેલાં પડ્યાં છે.
શંકાસ્પદ બેન્ક ખાતું ફ્રીઝ કરવાની કવાયત બની માથાનો દુઃખાવો
ગુજરાત કે દેશભરમાં સાયબર ક્રાઈમ ઠગાઈના પૈસા જે ખાતામાં ગયાંની પાક્કી વિગતો હોય તેવા બેન્ક ખાતાં જ ફ્રીઝ કરવામાં આવે છે. પરંતુ, બેન્ક ખાતાં ફ્રીઝ કરવાની કાર્યપઘ્ધતિ ચર્ચાસ્પદ બની છે. કોઈ બેન્ક ખાતાંમાં 10 લાખની રકમ હોય તે ફ્રીઝ કરી દેવામાં આવે પણ પોલીસ તપાસમાં સાયબર ક્રાઈમના એક કે બે લાખ રૂપિયાની હેરાફેરી થયાંની શંકા હોય તો પણ તમામ 10 લાખની રકમ ફ્રીઝ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમની રકમ જ ફ્રીઝ કરવામાં આવે તેવા આદેશો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ યુનિટને બાદ કરતાં રાજ્યભરમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સહિત મહદ્દઅંશે પોલીસ કે સાયબર ક્રાઈમ રોકવા કાર્યરત ટૂકડીઓ તમામ રકમ ફ્રીઝ કરે છે. લિયન એમાઉન્ટ એટલે કે ફ્રીઝ કરાયેલી રકમ છૂટ્ટી કરવા માટે ત્વરિત કાર્યવાહી કરવા માટે આદેશો કરવામાં આવ્યા હોવા છતાં સાયબર ક્રાઈમની રોકથામના બહાને આવી રકમ રોકી રાખવામાં આવે છે. એવી પણ ફરિયાદો છે કે, સાયબર ક્રાઈમમાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટસના પૈસા મુક્ત કરવા માટે 10થી 30 ટકા સુધી નૈવેદ્ય ધરવું પડે છે.
પીડિતોને મહા-મુશ્કેલીથી પૈસા પાછા મળે છે
સાયબર ક્રાઈમ નિષ્ણાત પોલીસ ટીમ ઉપરાંત દેશમાં 23000 જેટલા સાયબર વોલેન્ટિયર્સ, 22000 જેટલા સાયબર અવેરનેસ વોલેન્ટિયર્સ અને 10,000 જેટલા સાયબર એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ રોકવા નિષ્ઠાપૂર્વકની કામગીરી કરતી પોલીસ ટૂકડીઓમાં અમુક લોકોના કારણે સાયબર ચીટિંગનો ભોગ બનેલાં અનેક નાગરિકોને પોતાના પૈસા પાછા મેળવવામાં જ આંખે પાણી આવી જાય છે . ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન પોલીસે 113 કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યાં હતાં. વર્ષ 2020થી અત્યાર સુધીમાં 672 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરાયેલી છે અને 295 કરોડ પરત કરવા માટે અદાલતની મંજુરીની રાહ જોવાઈ રહી છે. ચાલુ વર્ષે 97 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યાં છે.
સાયબર ક્રાઈમનો ધીકતો ધંધો
નિર્દોષ નાગરિકોને ઘર-બેઠાં લૂંટી જનારાઓને રોકવામાં સરકારને જાણે રસ નથી. ઈ-ચીટિંગની ગુનાખોરીના પગલે લોકોમાં એવી ચર્ચા છે કે, ગૃહ અને નાણાં વિભાગની નજર નીચે સાયબર ક્રાઈમનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે. સરકાર ઈચ્છે તો આ ગોરખધંધો કલાકોમાં જ અંકુશમાં લાવી શકે છે.
સાયબર ક્રાઈમને અટકાવવો સરકારનો ડાબા હાથનો ખેલ
સાયબર ક્રાઈમ રોકવું એ ડાબા હાથનો ખેલ છે પણ સરકારને જાણે આ ગુનાખોરી રોકવામાં રસ નથી. સાયબર ક્રાઈમના જેટલા ગુના થાય છે તેના મોટાભાગના પૈસાની હેરાફેરી બેન્ક ખાતાંઓ થકી જ થાય છે. વર્તમાન સ્થિતિમાં કેવાયસી વગર બેન્ક ખાતાં ખૂલી શકતાં નથી. બેન્કો અને એજન્ટોને બેનામી ખાતાંની પૂરતી માહિતી હોય છે. જો કેન્દ્રનો ગૃહ અને નાણાં વિભાગ સાયબર ચીટિંગ માટે બેન્કો અને એજન્ટોને જવાબદાર ગણે તો આ પ્રકારની છેતરપિંડી 48 કલાકમાં રોકી શકાય. પણ, ગૃહ વિભાગને જાણે નિર્દોષ પ્રજાને લૂંટી જતાં સાયબર ચાંચિયાઓને રોકવામાં રસ નથી.
છ વર્ષમાં સાયબર ક્રાઈમના ગુના વઘ્યાં
4.29 લાખ મોબાઈલ નંબર બ્લોક
સવા ત્રણ વર્ષમાં સાયબર ચિટિંગમાં વપરાતાં 4.29 લાખ મોબાઈલ નંબર મોબાઈલ ઓપરેટર કંપનીઓની મદદ લઈને બ્લોક કરવામાં આવ્યાં છે. 69,921 મોબાઈલ ફોન જ લોક કરી દેવાયાં અને 12086 મોબાઈલ નંબરનું રિ-વેરીફિકેશન કરાયું હતું. આમ છતાં, સાયબર ચિટર્સ હવે નેશનલ કે ઈન્ટરનેશનલ નંબર્સ બેનામી રીતે મેળવીને ઠગાઈની માયાજાળ રચતા રહે છે તે સાયબર પોલીસ માટે પડકાર છે.
સોશિયલ મીડિયા થકી ઈ-ચીટિંગ: વોટ્સ-એપ મેસેજ મોકલીને ઠગાઈના કિસ્સા સૌથી વધુ
મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહીને ટાઈમ પાસ કરવાનું વળગણ મોટાભાગના લોકોને હોય છે તેનો દુરૂપયોગ સાયબર ચાંચિયા કરી રહ્યાં છે. જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન જ સોશિયલ મીડિયાથી ઈ-ચિટિંગના સૌથી વધુ કિસ્સા વોટ્સ-એપથી થયાં છે. ત્રણ મહિનામાં વોટ્સ-એપથી 43,797 લોકો, ટેલિગ્રામથી 22680, ઈન્સ્ટાગ્રામથી 19800, ફેસબૂકથી 20766 અને યુ ટ્યૂબથી ફસાવીને 3882 લોકો સાથે સાયબર ચીટિંગ કરવામાં આવ્યું હતું.
સાયબર સ્કેમર્સ કઈ પઘ્ધતિએ લોકોને છેતરે છે?
40 ટકા- કસ્ટમર કેર નંબર, રિફંડના નામે, કેવાયસી એક્પાયર્ડ થયું
40 ટકા- રોકાણ, ટાસ્કબેઝ સ્કેમ, ડીજીટલ એરેસ્ટ, ફેડેક્સ સ્કેમ
24 ટકા- સેક્સટોર્શન
23 ટકા- લોન એપ્લિકેશન, ગેરકાયદે લેન્ડિંગ
21 ટકા- ગેરકાયદે ગેમિંગ, ટ્રેડીંગ એપ, ક્રિપ્ટો સ્કેમ્સ
20 ટકા- ઓનલાઈન બુકીંગ, બનાવટી ફ્રેન્ચાઈઝી, ક્યુઆર કોડ
10 ટકા- રોમાન્સ સ્કેમ
8 ટકા- એ.ઈ.પી.એસ. ફ્રોડ, બાયોમેટ્રીક ક્લોનિંગ
8 ટકા- એન્ડ્રોઈડ મોબાઈલ માલવેર
6 ટકા- રેન્સમ વેર, હેકીંગ