સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ

| (IMAGE - envato) |
Bengaluru Digital Arrest Case: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ડરાવી-ધમકાવીને લગભગ 32 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ છેતરપિંડી 15 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થઈ હતી અને તે ઘણા મહિનાઓ સુધી ચાલી. ઠગબાજોએ CBI, સાયબર ક્રાઇમ અને RBIના નામનો ઉપયોગ કરીને મહિલાને 'ડિજિટલ અરેસ્ટ' કરીને ઘરમાં જ કેદી બનાવીને રાખી હતી. પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેને એક ફોન કૉલ આવ્યો હતો, જેમાં કૉલ કરનારે પોતાને DHL કંપનીનો કર્મચારી ગણાવ્યો હતો.
સીબીઆઈ બનીને ડરાવી
કૉલ કરનારે કહ્યું, 'તમે મુંબઈના અંધેરી ડીએચએલ સેન્ટરથી એક પાર્સલ બુક કરાવ્યું છે, તેમાં 3 ક્રેડિટ કાર્ડ, 4 પાસપોર્ટ અને ડ્રગ્સ(MDMA) મળ્યા છે.' પીડિતાએ કહ્યું કે, 'તે મુંબઈ ગઈ જ નથી અને બેંગલુરુમાં રહે છે. આના પર ઠગે જવાબ આપ્યો, 'આ સાયબર ક્રાઇમ છે. તમારા નામ, સરનામા અને ફોન નંબરનો ખોટો ઉપયોગ થયો છે.' આ કહીને કૉલને સીબીઆઈના નામે કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો.
સીબીઆઈ અધિકારી તરીકે વાત કરનાર વ્યક્તિએ મહિલાને ધમકાવી અને કહ્યું, 'તમારી વિરુદ્ધ પુરાવા છે. તમે જવાબદાર છો. જો તમે લોકલ પોલીસને જાણ કરી કે વકીલની મદદ લીધી, તો તમારા જીવને જોખમ છે. અપરાધીઓ તમારા ઘર પર નજર રાખી રહ્યા છે. પરિવારને કશું કહેશો નહીં, નહીં તો તેમને પણ ફસાવવામાં આવશે.'
મહિલાને ઘરમાં જ કરવામાં આવી ડિજિટલ અરેસ્ટ
ઠગબાજોએ મહિલાને સ્કાયપે એપ ડાઉનલોડ કરાવી, જ્યાં મોહિત હાંડા બનીને આવેલા એક વ્યક્તિએ તેને કેમેરા ચાલુ રાખીને ઘરમાં નજરકેદ હોવાનું જણાવ્યું. બે દિવસ સુધી કેદ રાખ્યા બાદ, કથિત CBI અધિકારી પ્રદીપ સિંહ સાથે વીડિયો કૉલ પર મુલાકાત કરાવી, જેણે ડરાવવાની સાથે સારો વ્યવહાર પણ કર્યો. ત્યારબાદ, રાહુલ યાદવ નામનો એક અન્ય વ્યક્તિ એક અઠવાડિયા સુધી સ્કાયપે દ્વારા નજર રાખતો રહ્યો. ડરના માર્યા પીડિતાએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું અને ઘરેથી જ કામ કર્યું. પછી તેને કહેવામાં આવ્યું કે નિર્દોષતા સાબિત કરવા માટે RBI દ્વારા સંપત્તિની તપાસ કરાવવી પડશે અને તેના માટે સાયબર ક્રાઇમના નિતિન પટેલની સહીવાળા નકલી પત્રો પણ બતાવ્યા.
32 કરોડની ઠગાઈ
પીડિતાને તેની તમામ સંપત્તિની યાદી આપવા અને બેન્ક ખાતાઓમાંથી નામ હટાવવા માટે 90% પૈસા જમા કરાવવા કહેવામાં આવ્યું. 24 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધીમાં, પીડિતાએ પોતાની સંપત્તિની માહિતી આપી.
ત્યારબાદ, 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ₹2 કરોડની જામીન રકમ અને 18 નવેમ્બર 2024 સુધીમાં ₹2.4 કરોડનો ટેક્સ માગવામાં આવ્યો, જે જમા કરાવવામાં આવ્યો. આમ, પીડિતા સાથે કુલ ₹32 કરોડની ઠગાઈ થઈ. 1 ડિસેમ્બર 2024ના રોજ તેને કથિત 'ક્લિયરન્સ લેટર' પણ મળ્યો.
તેના દીકરાની સગાઈ (6 ડિસેમ્બર) હોવા છતાં, ઠગાઈના ડર અને તણાવને કારણે પીડિતા બીમાર પડી અને એક મહિનાથી વધુ સમય સુધી પથારીવશ રહી, જ્યાં ડૉક્ટરે તેની માનસિક અને શારીરિક સારવાર કરી. આ દરમિયાન પણ તેણે સ્કાયપે પર અપડેટ આપવું પડતું હતું. ઠગબાજોએ 25 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પૈસા પાછા આપવાનું કહ્યું, પરંતુ બાદમાં તેઓ ફરી ટેક્સ માંગવા લાગ્યા. અંતે, શંકા થતાં પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

