હાલ સેલ્ફ ક્વોરન્ટીનમાં છું, બાકી સવાલોના જવાબ પછી : મૌલાના સાદ
- દિલ્હી પોલીસે મરકઝમાં ભીડ અંગે સવાલ પૂછ્યા હતા
- દેશના ઉલેમાઓએ એક સૂરમાં ડોક્ટરો, નર્સ, પોલીસ પર હુમલાને વખોડી કાઢ્યા
નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2020, શનિવાર
દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં સ્થિત તબલિગી જમાતના મરકઝમાં નિયમોનો ભંગ કરીને ભીડ એકત્ર કરવાના આરોપી મૌલાના સાદને દિલ્હી પોલીસે માર્ચ મહિનામાં મરકઝમાં ભીડ એકત્ર કરવા અંગે કેટલાક સવાલો કર્યા હતા. તેના જવાબમાં મૌલાના સાદે શનિવારે માત્ર એટલો જવાબ આપ્યો હતો કે હાલ હું સેલ્ફ ક્વોરેન્ટીનમાં છું, બાકીના સવાલોના જવાબ પછી આપીશ.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મૌલાના સાદને ૨૬ સવાલ પૂછ્યા હતા. આ સવાલોનો જવાબ મૌલાના સાદે મોકલ્યો છે. તેમણે કહ્યું કે હાલ તેઓ સેલ્ફ ક્વોરન્ટીનમાં છે અને અત્યારે મરકઝ બંધ છે. તેથી મરકઝ ખુલશે ત્યારે બાકીના સવાલોના જવાબ આપીશ. માર્ચ મહિનામાં મરકઝમાં એકત્ર થયેલી ભીડના કારણે દેશભરમાં કોરોના વાઈરસ ફેલાતા મૌલાના સાદ સહિત ૬ લોકો વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે. જોકે, મૌલાના સાદ હાલ ફરાર છે. તેમની ધરપકડના પ્રયાસો ચાલી રહ્યા છે.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મૌલાના સાદને નોટિસ મોકલતા સંગઠનનું નામ અને સરનામુ, રજિસ્ટ્રેશન સંબંધિત માહિતી, સંગઠનના કર્મચારીઓના ઘર-મોબાઈલ નંબર સહિતની વિગતો, મરકઝના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની વિગતો માગી હતી.
દરમિયાન સમગ્ર દેશમાંથી મુસ્લિમ સમાજના ઉલેમાઓએ એક સૂરમાં ઈન્દોર સહિત દેશમાં વિવિધ સ્થળો પર કોરોનાના સ્ક્રિનિંગ કરવા ગયેલી ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓની ટીમ તેમજ પોલીસ પર મુસ્લિમો દ્વારા કરાયેલા હુમલાની ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ સમાજને કોરોના સામેની લડાઈમાં ડોક્ટરો, તંત્ર અને સરકારને સહયોગ કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાઈરસ અનિયંત્રત થશે તો દેશે બરબાદીનો સામનો કરવો પડશે. જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ, અને દારુલ ઉલુમ, દેવબંદમાં હદીસના શિક્ષક મૌલાના સૈયદ અરશદ મદની, દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી, ફતેહપુરી શાહી મસ્જિદના ઈમામ મુફ્તી મુકર્રમ અહેમદ અને શિયા જામિયા મસ્જિદના ઈમામ મૌલાના મોહસીન અલી તકવીએ મુસ્લિમ સમાજને ડોક્ટરો અને સરકારને સહયોગ આપવા અપીલ કરી હતી.