કેશ કાંડમાં ખુલાસો : દારૂની બોટલથી ભરેલા કબાટને કારણે જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ ભડકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Judge cash burning case: દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગની ઘટના અંગે વધુ એક ખુલાસો થયો છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, '14 માર્ચની રાત્રે દિલ્હીમાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં લાગેલી આગની ઘટના દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આ આગમાં દારૂની બોટલમાંથી નીકળતા જ્વલનશીલ વાયુના કારણે સ્ટોરરૂમમાં મોટી માત્રામાં રાખેલી રોકડ બળી ગઈ હતી.'
દારૂની બોટલથી ભરેલા કબાટને કારણે આગ લાગી
તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'સ્ટોર રૂમમાં દારૂનો કબાટ ઇલેક્ટ્રિક સ્વીચ બોક્સની ખૂબ જ નજીક હતો. સમિતિ દ્વારા કરવામાં આવેલા સ્થળ નિરીક્ષણમાં આ વાતની પુષ્ટિ થઈ હતી.'
આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 'દારૂ ખૂબ જ જ્વલનશીલ છે અને જ્યારે આગ લાગી ત્યારે બોટલો ગરમીને કારણે ફાટી ગઈ હશે. તેનાથી આગની તીવ્રતા વધી ગઈ.'
આ પણ વાંચો: લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ
દારૂની બોટલોના કારણે આગની તીવ્રતા વધી
ફાયર બ્રિગેડના એક કર્મચારીએ જુબાની આપતા કહ્યું હતું કે, 'ડાબી બાજુ દારૂની બોટલો હતી. જેનાથી આગની તીવ્રતા વધી ગઈ હતી. જ્યારે જમણી બાજુથી પાણી રેડવામાં આવ્યું ત્યારે ત્યાં રાખેલી વસ્તુઓ પડવા લાગી અને ચલણી નોટો પણ ફ્લોર પર દેખાવા લાગી.
તપાસ સમિતિના રિપોર્ટ મુજબ, ઘટના સમયે જસ્ટિસ વર્મા શહેરની બહાર હતા અને તેમના પરિવાર કે અંગત સ્ટાફના કોઈ પણ સભ્ય પાસે સ્ટોર રૂમની ચાવીઓ નહોતી. આથી જ્યારે આગ લાગી ત્યારે સુરક્ષા ગાર્ડ્સે સ્ટોર રૂમનું તાળું તોડી નાખ્યું અને ફાયર ફાઇટર અને પોલીસને અંદર પ્રવેશવા દીધા. જેના કારણે રોકડ કૌભાંડ સામે આવ્યું.









