સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ, અખિલેશ-જયાએ આશીર્વાદ આપ્યા
Rinku Singh and Priya Saroj News : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ પ્રિયા સરોજે આજે લખનઉમાં સગાઈ કરી. શહેરની 5-સ્ટાર હોટલમાં સગાઈ રાખવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને ઉત્તર પ્રદેશ રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ સહિતના મહેમાનો પહોંચ્યા હતા.
રિંકુ સિંહ અને પ્રિયા સરોજ બંને એકબીજાના હાથમાં હાથ નાખી સ્ટેજ પર પહોંચ્યા હતા અને રિંગ સેરેમની યોજાઈ હતી. અખિલેશ સિંહ, જયા બચ્ચન સહિતના દિગ્ગજો પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સગાઈ માટે બંનેએ એકબીજા માટે સ્પેશિયલ રિંગ મગાવી હતી. પ્રિયાએ કોલકાતાથી ડિજાઈનર રીંગ ખરીદી હતી જોકે રિંકુએ મુંબઈથી ખાસ અંગૂઠી મગાવી હતી. જેની કિંમત આશરે અઢી લાખ રૂપયા જણાવવામાં આવી છે.
ખાસ વ્યવસ્થા અને VIP મહેમાનો
હોટલમાં રિંગ સેરેમની માટે 15 રૂમ બુક કરવામાં આવ્યા હતા, જેમાંથી 5 રૂમ રિંકુના મિત્રો માટે રિઝર્વ રખાયા હતા. આ સગાઈ સમારોહમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રિયાના સાંસદ મિત્ર ઇકરા હસન પણ હાજર રહ્યા હતા. સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવી હતી, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી.
Lucknow, Uttar Pradesh: Cricketer Rinku Singh and Samajwadi Party MP Priya Saroj during their engagement ceremony pic.twitter.com/5aZMebWSyw
— IANS (@ians_india) June 8, 2025
લખનવી ભોજનની વ્યવસ્થા
રિંકુના પરિવારના સભ્યો, તેમના ભાઈ, બહેન અને અન્ય સંબંધીઓ સગાઈના પ્રસંગે મસ્તી કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને તેમના મહેમાનોએ લખનવી ભોજનનો આનંદ માણ્યો હતો. હોટલના 'ફલકર્ન (Fulcurn) હોલ' ને સગાઈ સમારોહ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેમજ ભોજનમાં લખનવી ડીશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રિંકુ અને પ્રિયાની ફેવરીટ ડિશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રિંકુ-પ્રિયાના સંબંધની શરૂઆત
જાન્યુઆરીમાં કેરાકતથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુ સિંહના પિતા સાથે બંનેના સંભવિત લગ્ન વિશે ચર્ચા કરી હતી. બંને પરિવારો સંબંધ માટે રાજી થઈ ગયા હતા. તુફાની સરોજે એ પણ જણાવ્યું હતું કે, 'પ્રિયાની મુલાકાત રિંકુ સાથે એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, જેના પિતા પણ ક્રિકેટર છે. રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી જાણે છે. તેઓ બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને પોતાના પરિવારોની સંમતિની જરૂર હતી. હવે બંને પરિવારો આ લગ્ન માટે સંમત થઈ ગયા હતા.'
પ્રિયા સરોજ કોણ છે?
વારાણસીના કરખિયાંવ ગામના રહેવાસી પ્રિયા સરોજ ઘણા વર્ષોથી સમાજવાદી પાર્ટી (SP) સાથે સક્રિય રીતે જોડાયેલા છે. 2024 માં તે જૌનપુર જિલ્લાના મછલીશહર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા માટે ચૂંટાયા હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ વકીલ પ્રિયા પહેલીવાર 2022 ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પોતાના પિતા માટે પ્રચાર કરતા ચર્ચામાં આવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કલામાં ડિગ્રી અને નોઇડાના એમિટી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.