For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

18+ ઉંમરની દરેક વ્યક્તિને બૂસ્ટર ડોઝ અપાશે, 9 માસ બાદ મળશે ડોઝ

Updated: Apr 8th, 2022

Article Content Image

નવી દિલ્હી,તા.8 એપ્રિલ 2022,શુક્રવાર 

કોરોનાના નવા વેરિયન્ટની ઘાતક અસર થાય તે પહેલાં જ સરકારે પાળ બાંધવાનું શરૂ કર્યું છે. સરકારે 18થી વધુ વયના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે.

કોરોના વેક્સિનની ઝડપ વધારવા અને હવે લોકોને નવા વેરિયન્ટ સામે પણ રક્ષણ મળી રહે તે માટે બૂસ્ટર ડોઝ આપવાની યોજના સાથે મોદી સરકાર આગળ વધી રહી છે.

રવિવાર,10મી એપ્રિલથી 18થી વધુ ઉંમરના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ મળી શકશે. જોકે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે 9 મહિનાનો સમયગાળો હોવો ફરજિયાત છે.

ચોંકાવનારી વાત એ છે કે સરકારે 18+ બૂસ્ટર ડોઝની પરવાનગી માત્ર ખાનગી વેક્સિનેશન સેન્ટરને જ આપી છે એટલેકે બૂસ્ટર ડોઝ માત્ર પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જ મેળવી શકાશે. સરકારી સેન્ટરોમાં ક્યારથી બૂસ્ટર ડોઝ લઈ શકાશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

આ અગાઉ સરકારે 60થી વધુ ઉંમરના લોકો અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્વાસ્થ્ય અને અન્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝની પરવાનગી આપી હતી. ભારતમાં અત્યાર સુધી 1,85,38,88,663 વેક્સિન ડોઝ આપવામાં આવી ચૂક્યાં છે

દેશની તમામ 15 વર્ષથી વધુ ઉંમરની વસ્તીમાંથી લગભગ 96 ટકાએ ઓછામાં ઓછો એક કોવિડ-19 રસીનો ડોઝ મેળવ્યો છે જ્યારે 15+ વસ્તીમાંથી લગભગ 83 ટકા લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.

Gujarat