Corona: મોદી સરકારનો મહત્વનો નિર્ણય, 50 કરોડ લોકોનો થશે નિ:શુલ્ક ટેસ્ટ અને સારવાર
નવી દિલ્હી, 4 એપ્રિલ 2020 શનિવાર
કોરોના મહામારી સામે લડતમાં આજે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણનો ટેસ્ટ અને સારવાર હવે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવશે.
નોંધનીય છે કે સરકારી હોસ્પિટલમાં તો કોરોનાનો ટેસ્ટ અને ઈલાજ પહેલાં જ મફતમાં કરવામાં આવી રહ્યો છે હવે આ યોજના હેઠળ આવતા દર્દીઓને પ્રાઈવેટમાં મફતમાં ટેસ્ટીંગનો લાભ મળશે. આ યોજના હેઠળ અત્યારે 50 કરોડ લોકો છે જેમને કોરોના ટેસ્ટીંગમાં લાભ મળશે.
પ્રાઈવેટ લેબ્સે ICMRનાં સુચનાનું પાલન કરવું પડશે
આયુષ્માન યોજના હેઠળનાં હોસ્પિટલ પોતાના સ્તર પર લોકોને આ સુવિધાનો લાભ આપી શકશે. જોકે ટેસ્ટીંગ માત્ર ICMRની દેખરેખ હેઠળ જ કરવામાં આવશે. આ સિવાય જે પ્રાઈવેટ લેબને ટેસ્ટિંગ કરવાની મંજુરી આપવામાં આવી છે તેમણે પણ ICMRના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
કઈ પ્રાઈવેટ લેબમાં થશે ટેસ્ટ ?
જે પ્રાઈવેટ લેબ્સ પાસે RNA વાયરસના PCR ટેસ્ટ માટે NABL ની માન્યતા હશે તે જ લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવશે તથા જયારે કોઈ ડૉકટરએ ટેસ્ટની સલાહ આપી હોય ત્યારે જ ટેસ્ટ કરવામાં આવશે.
આરોગ્ય પ્રધાને શું કહ્યું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે આ સંકટના સમયમાં પ્રાઈવેટ સેક્ટરના લોકોએ પણ સાથે મળીને લડવું પડશે. આયુષ્માન યોજના હેઠળ ટેસ્ટ અને સારવારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાશે. આ પગલાંથી ગરીબ વર્ગેને મહામારી સામે લડવામાં મદદ મળશે.
પ્રાઈવેટ કંપનીઓ દ્વારા થશે કોરોના ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ
સરકારના આ નિર્ણયથી હવે મોટી સંખ્યામાં પ્રાઈવેટ કંપનીઓને કોરોના ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ માટે લાવી શકાશે. હાલમાં ભારતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ નિર્ણયનાં લીધે ઘણા લોકોને કોરોના સામે લડવામાં મદદ મળશે. સાથે જ ઘણી રાજ્ય સરકારો એવી હોસ્પિટલની લીસ્ટ તૈયાર કરી રહી છે જેને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી શકાય.