'રામસેતુ પુલ' માટે રૂ. 243 કરોડનો ખર્ચ કર્યા પછી મસમોટા ગાબડાં, કોર્ટે કહ્યું- તાત્કાલિક બંધ કરો
Image Source: Twitter
Ajmer Ramsetu Bridge: રાજસ્થાનના અજમેર શહેરના રામસેતુ પુલ અંગે લાંબા સમયથી ચાલી રહેલી જાહેર ચિંતા અને કાનૂની લડાઈ હવે એક નિર્ણાયક મોડ પર પહોંચી છે. સિવિલ જજ (પશ્ચિમ) અજમેરની કોર્ટે રામસેતુ પુલ અંગે મોટો ચુકાદો આપતા વહીવટીતંત્રને 11 જુલાઈ, 2025 સુધીમાં પુલને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, રૂ.243 કરોડના ખર્ચે બનેલા 'રામસેતુ પુલ'માં મસમોટા ગાબડાં પડી ગયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી.
આ મામલે અજમેરના 15 વકીલોએ મળીને કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પુલની જર્જરિત હાલત હોવા છતાં વહીવટીતંત્રએ કોઈ નક્કર પગલાં નથી લીધાં, જેના કારણે સામાન્ય લોકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ પુલની હાલત અંગે ફરિયાદો સામે આવતી રહી છે, પરંતુ વહીવટી બેદરકારીને કારણે સમારકામનું કામ નથી થઈ શક્યું.
પુલની દીવાલોમાં તિરાડ
અરજદારોએ એ પણ જણાવ્યું છે કે, પુલની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે, કાટ લાગેલા લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે અને આ પુલ રાહદારીઓ અને ટુ-વ્હીલર સવારો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને 11 જુલાઈ સુધીમાં પુલને બધી બાજુથી બંધ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
વહીવટીતંત્રની કાર્યશૈલી પર સવાલ
આ આદેશ બાદ વહીવટીતંત્રની કાર્યશૈલી પર સવાલ ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકો કોર્ટના નિર્ણયને જાહેર હિતમાં મોટી રાહત માની રહ્યા છે.
સૌથી વિવાદાસ્પદ નિવેદન RSRDCના અધિકારી ચારુ મિત્તલનું રહ્યું છે, જેમણે રસ્તો ધસી જવાનું કારણ ઉંદરો દ્વારા પુલને કોતરવાનું ગણાવ્યું હતું. પરંતુ તપાસ સમિતિએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો અને તેને 'ગંભીર બાંધકામ ખામી' ગણાવી હતી. સમિતિએ કહ્યું કે જો ખરેખર કોંક્રિટને ઉંદરો નુકસાન પહોંચાડી શકે છે, તો તે સ્પષ્ટ છે કે બાંધકામ સામગ્રી ખૂબ જ હલકી ગુણવત્તાવાળી હતી.
આ પણ વાંચો: મલાઈકા અરોડા કેમ હાજર થઈ કોર્ટમાં? સૈફ અલીના પક્ષમાં આપવાની હતી જુબાની, જાણો મામલો
તપાસ રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રામ સેતુ પુલને માત્ર સમારકામ જ નહીં પરંતુ આખો પુલ જ નવો બનાવવાની જરૂર છે. સ્માર્ટ સિટીના નામે જનતાના ટેક્સનો દુરુપયોગ કરવામાં આવ્યો અને નબળા બાંધકામમાં કરોડો રૂપિયા પાણીમાં વહાવી દીધા. હવે વહીવટીતંત્રની કાર્યશૈલી પર સવાલ ઉઠી રહ્યા છે અને કોર્ટના આદેશને જાહેર હિતમાં મોટી જીત માનવામાં આવી રહી છે.
માર્ટિંન્ડલ પુલ સેંકડો વર્ષોથી મજબૂતીની મિસાલ
રામસેતુ પુલની દુર્દશાથી તદ્દન વિપરીત અજમેર શહેરમાં માર્ટિંન્ડલ પુલ હજુ પણ મજબૂત રીતે ઊભો છે. રેલ્વે સ્ટેશનની નજીક સ્થિત આ પુલ બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને તેનું નામ એક બ્રિટિશ અધિકારી 'માર્ટિંન્ડલ'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. લોખંડ અને પથ્થરથી બનેલો આ ઐતિહાસિક પુલ માત્ર એન્જિનિયરિંગનો જ નમૂનો નથી, પરંતુ તે આજે પણ ભારે ટ્રાફિકનો સરળતાથી સંભાળી રહ્યો છે.