મલાઈકા અરોરા કેમ હાજર થઈ કોર્ટમાં? સૈફ અલીના પક્ષમાં આપવાની હતી જુબાની, જાણો મામલો
Images Sourse: IANS |
Malaika Arora Court Case: મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે બુધવારે (નવમી જુલાઈ) વર્ષ 2012ના બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે સંકળાયેલા હોટલ વિવાદ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી અને અભિનેત્રી મલાઈકા અરોરા વિરુદ્ધ ઈસ્યુ કરાયેલા જામીનપાત્ર વોરંટ રદ કર્યા છે. આ ઉપરાંત અભિનેત્રીનું નામ સાક્ષી તરીકે પણ દૂર કરવામાં આવ્યું છે. મલાઈકા સામે આ જામીનપાત્ર વોરંટ એટલા માટે ઈસ્યુ કરવામાં આવ્યું કારણ કે તે કેસની છેલ્લી સુનાવણીમાં હાજર રહી ન હતી. બુધવારે જ્યારે તે કેસની સુનાવણી માટે પહોંચી ત્યારે કોર્ટે જામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું.
જાણો શું છે મામલો
આ કેસ 21મી ફેબ્રુઆરી 2012નો છે, જ્યારે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર, બહેન અમૃતા અરોરા, મલાઈકા અરોરા અને અન્ય મિત્રો સાથે એક ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માટે ગયા હતા. આ દરમિયાન, સૈફ અલી ખાનનો હોટેલમાં હાજર દક્ષિણ આફ્રિકાના નાગરિક અને NRI વ્યક્તિ ઈકબાલ મીર શર્મા સાથે ઝઘડો થયો. ઈકબાલ શર્માએ કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: રસ્તા બનાવ્યા છે તો ખાડા પણ રહેવાના...: પ્રજાની પરેશાની સામે મંત્રીનો અજીબોગરીબ તર્ક
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 'સૈફ અલી ખાને મારા નાક પર મુક્કો માર્યો હતો, જેના કારણે મને ગંભીર ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું.' આ ઘટના પછી પોલીસે સૈફ અલી ખાન, તેના મિત્ર બિલાલ અમરોહી અને અમૃતા અરોરાના પતિ શકીલ લડાક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો અને તેની સુનાવણી ગયા વર્ષે શરૂ થઈ હતી.
મલાઈકા સામે 5,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ ઈસ્યુ
મલાઈકા અરોરા આ કેસમાં સરકારી વકીલો તરફથી સાક્ષી હતી. માર્ચ 2025માં કોર્ટમાં જુબાની આપવા માટે તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થઈ ન હતા. એપ્રિલમાં ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે વખતે પણ ગેરહાજરી રહી હતી. આ મામલે કોર્ટે મલાઈકા સામે 5,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. 30મી એપ્રિલ, 2025ના રોજ કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તે હાજર નહીં થાય તો બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ મલાઈકા બુધવારે (નવમી જુલાઈ) કોર્ટમાં હાજર થઈ હતી અને વોરંટ રદ કરવામાં આવ્યું. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.