mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'મુજરા' જેવા શબ્દો વાપરનારા વડાપ્રધાનને શરમ આવવી જોઈએ...' પ્રિયંકા ગાંધી PM પર ભડક્યાં

Updated: May 26th, 2024

'મુજરા' જેવા શબ્દો વાપરનારા વડાપ્રધાનને શરમ આવવી જોઈએ...' પ્રિયંકા ગાંધી PM પર ભડક્યાં 1 - image


Lok Sabha Elections 2024 |  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોટ બેન્ક માટે મુજર' ટીપ્પણી પર વળતો ઘા કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, પરિવારના વડાએ ક્યારેય આંખોની શરમ ગુમાવવી જોઈએ નહીં. દેશના વડાપ્રધાનને 'મુજરા' જેવી ટિપ્પણી શોભતી નથી. તેમને થોડી શરમ આવવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એક વખત કહ્યું કે ભાજપ સત્તા પર આવશે તો પીએમ મોદી બંધારણ બદલી નાંખશે જ્યારે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ચીને દેશની જમીન હડપી લીધી છે ત્યારે પીએમના ચૂપ રહેવા સામે સવાલ ઉઠાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાજલ નિષાદ અને બાંસગાંવ સંસદીય ક્ષેત્રના ઉમેદવાર સદલ પ્રસાદના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદીજીએ બિહારમાં ભાષણ આપ્યું અને વિપક્ષના નેતાઓને એવા એવા શબ્દો કહ્યા, જે દેશના ઈતિહાસમાં કોઈપણ વડાપ્રધાન બોલ્યા નહીં હોય.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનપદનો આખો દેશ આદર કરે છે. અમે પણ આદર કરીએ છીએ. તમારી આસ્થા, તમારી આશાઓ મોદીજી સાથે જોડાયેલી હતી, પરંતુ વડાપ્રધાન પદની ગરીમા, મર્યાદા જાળવી શક્યા નથી. આજે મોદીજી જે રીતે બોલી રહ્યા છે તેનાથી તેમની વાસ્તવિક્તા સામે આવી રહી છે. મોદીજી દેશને પોતાનો પરિવાર કહે છે. પરંતુ પરિવારના વડાએ પરિવારના સભ્યો પ્રત્યે આંખોની શરમ રાખવી જોઈએ. વડાપ્રધાન હવે રઘવાયા બની ગયા છે. તેથી તેઓ ગમે તેમ બોલી રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, દેશમાં બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટા મુદ્દા છે. તેથી જ જનતા ઈન્ડિયા બ્લોકની સાથે છે અને અન્ડર કરન્ટ અમારી તરફેણમાં છે. 

દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના અમૃતસરમાં પહેલી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં મોદીજી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત તેમના પક્ષના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી જીતશે તો બંધારણ બદલી નાંખશે અને તેને ખતમ કરી નાંખશે. આજે ચૂંટણી બે વિચારધારાઓનું યુદ્ધ બની ગઈ છે.

બીજીબાજુ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, ચીને ભારતની જમીન પચાવી પાડી છે અને આપણી જમીન પર મકાનો અને રસ્તા બાંધી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન મોદી ચૂપ છે. ક્યાં ગઈ ૫૬ની છાતી. ખડગેએ ઉમેર્યું કે, તેમનો પક્ષ દેશના લોકો અને બંધારણ બચાવવા માટે લડી રહ્યો છે. બંધારણ નહીં બચે તો લોકતંત્ર બચશે નહીં તથા લોકોના અધિકારો ઝૂંટવાઈ જશે. મોદી સરકાર માત્ર ધનવાનોને સમર્થન કરે છે જ્યારે કોંગ્રેસ ગરીબો સાથે છે.

Gujarat