India

દેશની ક્રૂડની આયાત ઓક્ટોબરમાં વિક્રમી દૈનિક 56 લાખ બેરલે પહોંચી

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતા છતાં, ઓક્ટોબરમાં ભારતે વિક્રમી 56 લાખ બેરલ દૈનિક ક્રૂડ ઓઈલની આયાત કરી. જેમાં મધ્ય-પૂર્વ અને રશિયાનો મુખ્ય ફાળો રહ્યો. હોર્મુઝની ખાડીમાં પુરવઠો સુધરતાં અને ખાડી દેશો સ્પર્ધાત્મક ભાવે ઓઈલ વેચતાં, ભારતીય રિફાઈનરીઓએ ખરીદીમાં ફ્લેક્સિબિલિટી દર્શાવી. જોકે, રશિયાથી આવતા ઓઈલના ખર્ચમાં વધારો થયો છે. તણાવ વધતાં ભારત ફરી રશિયા તરફ વળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની ક્રૂડની આયાત ઓક્ટોબરમાં વિક્રમી દૈનિક 56 લાખ બેરલે પહોંચી

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન તથા સાઉદી અરબ અને હુથી બળવાખોરોના યુદ્ધોની અનિશ્ચિતતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ સતત ૧૦૦ ડોલરથી ઉપર રહેવા છતાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત ઓક્ટોબરમાં વિક્રમી સ્તરે પહોંચી હતી. ઓક્ટોબરમાં મધ્ય-પૂર્વ અને રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી દૈનિક ૫૬ લાખ બેરલે પહોંચી હતી.
ભારતીય રિફાઈનરીઓએ મધ્ય-પૂર્વમાંથી દૈનિક ૨૩ લાખ બેરલ અને રશિયામાંથી દૈનિક ૨૦ લાખ બેરલ ઓઈલની ખરીદી કરી છે તેમ એનર્જી ઈન્ટેલિજન્સ કંપની કેપ્લરે જણાવ્યું છે. એનર્જી ઈન્ટેલિજન્સ કેપ્લરના મુખ્ય વિશ્લેષક નિખિલ દુબેએ જણાવ્યું કે, અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાંથી લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. જોકે, હવે ઓમાનના દરિયાકાંઠે શિપ-ટુ-શિપ એટલે કે એક જહાજથી બીજા જહાજ પર ક્રૂડ ઓઈલ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વધવાથી હોર્મુઝની ખાડીના માર્ગે વધુ ક્રૂડ ઓઈલનો પુરવઠો ફેબુ્રઆરી ૨૦૨૬ના યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી રહ્યો છે. ભારતીય રિફાઈનરીઓએ ઓઈલની ખરીદીની બાબતમાં ફ્લેક્સિબિલિટી દર્શાવી હોવાથી હોર્મુઝની ખાડીમાંથી ઓઈલનો પુરવઠો વધતા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખાડી દેશોમાંથી આવતા ઓઈલના પુરવઠામાં વધારો થયો છે. બીજીબાજુ રશિયામાંથી ઓઈલનો પુરવઠો ઘટયો છે. જોકે, તેનું કારણ અમેરિકન પ્રતિબંધો નહીં પરંતુ કાળા સાગરમાં રશિયન ઓઈલ ટેન્કરો પર થઈ રહેલા હુમલા છે, જેને પગલે જહોજના ભાડાંનો ચાર્જ વધ્યો છે.
સૂત્રો મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં રશિયન ક્રૂડ ઓઈલની ખેપમાં ઘટાડો આવી શકે છે. જેથી રશિયાથી આવતા ઓઈલનો ભારત સુધી પહોંચવાનો કુલ ખર્ચ વધી ગયો છે. બીજીબાજુ ખાડી દેશો ફરી એક વખત ભારતમાં તેમનો બજાર હિસ્સો વધારવા સ્પર્ધાત્મક કિંમતે ઓઈલ વેચી રહ્યા છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ વધવાથી હોર્મુઝની ખાડીમાં ઓઈલનો પુરવઠો ફરી ખોરવાય તો ભારતીય રિફાઈનરીઓ ફરી એક વખત રશિયન ઓઈલ તરફ વળી શકે છે.