ભ્રષ્ટાચારને બચાવવા માટે વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ એક થયા : મોદી
- 10 વર્ષમા કરેલા કામો માત્ર ટ્રેલર, હજુ ઘણું કરવાનું છે : પીએમ
- વિપક્ષ કહે છે કે ભાજપ ફરી સત્તામાં આવશે તો દેશમાં આગ લાગશે, મોદીએ આવી અનેક આગ ઠારવી છે : વડાપ્રધાન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા ફરી એક વખત ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે દેશની પ્રથમ એવી લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે કે જેમાં ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારને જ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. મોદીએ વિપક્ષના તમામ નેતાઓને ભ્રષ્ટાચારી ગણાવીને આ પ્રહારો કર્યા હતા. સાથે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ દેશમાં આગ લગાવવાની વાતો કરે છે.
રાજસ્થાનના કોટપુતળીમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ ધમકીઓ આપી રહ્યા છે કે જો ભાજપ જીતશે તો દેશમાં આગ લાગશે, મોદી છેલ્લા ૧૦ વર્ષથી આવી આગને અટકાવતા આવ્યા છે. દેશના વિકાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં ઘણા કામ થયા છે, જોકે તે માત્ર ટ્રેલર જ છે. હજુ તો ઘણા કામ કરવાના બાકી છે. ભાજપની ત્રીજી ટર્મ ઐતિહાસિક નિર્ણયો લેવા માટેની હશે.
ભ્રષ્ટાચાર પર વાત કરતા મોદીએ કહ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની અને લોકોના સપના સાકાર કરવા માટેની છે. જોકે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન દેશ માટે નહીં પણ પોતાના અંગત સ્વાર્થ માટે આ ચૂંટણી લડી રહ્યા છે. આ પ્રથમ લોકસભાની એવી ચંૂટણી છે કે જેમાં તમામ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર સામેના પગલા અટકાવવા માટે એકઠા થયા છે. અમે ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરીએ છીએ જ્યારે વિપક્ષ ભ્રષ્ટાચારને બચાવવાની વાતો કરે છે. જ્યારે ઉત્તરાખંડમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા ધમકી આપી રહ્યા છે કે જો દેશમાં ફરી ભાજપને સત્તા મળશે તો આગ લાગશે, સત્તા માટે વિપક્ષના નેતાઓ હવે દેશ સળગાવવાની વાત કરી રહ્યા છે. કટોકટીની માનસિકતા ધરાવતી કોંગ્રેસ લોકશાહીમાં વિશ્વાસ નથી રાખતી.