ભારતમાં મે મહિનાથી જ બનવા માંડશે પ્રતિ માસ 20 લાખ ટેસ્ટિંગ કિટ
નવી દિલ્હી, તા.18 એપ્રિલ 2020, શનિવાર
કોરોના સામે લડવા માટે લોકડાઉનનો ઘણા ખરા અંશે સફળ અમલ કરી ચુકેલુ ભારત હવે ટેસ્ટિંગ પર વધારે ફોકસ કરવા માંગે છે.
આગામી મહિનાથી ભારતમાં જ દર મહિને 20 લાખ ટેસ્ટિંગ કિટ બનવા માંડશે તેવી જાણકારી આરોગ્ય મંત્રાલયે આપી છે. આ પૈકી 10 લાખ એન્ટી બોડી અને 10 લાખ આરટી પીસીઆર કિટ હશે. જેનાથી ભારતને કિટ આયાત કરવાનો બોજો ઓછો થશે.
હાલમાં ભારતની દર મહિને 6000 વેન્ટિલેટર બનાવવાની ક્ષમતા છે. તેને પણ વધારવા માટે કોશિશ કરાશે. ભારત આગામી સમયમાં વધારે પીપીઈ કિટ અને ઓક્સિજન ડિવાઈસના ઉત્પાદનની તૈયારીઓ પર પણ ભાર મુકી રહ્યુ છે.
સરકારે આપેલા આંકડા પ્રમાણે હાલ દેશમાં 1.73 લાખ આઈસોલેશન વોર્ડ અને 21800 જેટલા આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. ચીનમાંથી આવેલી પાંચ લાખ રેપિડ ટેસ્ટ કિટ રાજ્યોને આપી દેવાઈ છે.