covid-19: દેશમાં 400 જિલ્લા એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી
નવી દિલ્હી, 9 એપ્રિલ 2020 ગુરૂવાર
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે-સાથે સરકાર તથા દેશના લોકોની ચિંતા પણ વધી રહી છે. જોકે, આ બધાની વચ્ચે એક સારી વાત એ છે કે, સમગ્ર દેશમાં કુલ 400 જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.
મતલબ કે, આ જિલ્લાઓ હજુ સુધી કોરોના ફ્રી છે. કુલ કેસોમાંથી 80 ટકા કેસ માત્ર 62 જિલ્લાઓમાં આવ્યા છે જ્યાં લૉકડાઉનની સાથે-સાથે હૉટસ્પોર્ટ એરિયાને સીલ કરીને કોરોના વાયરસના વિસ્તરણ રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે એક પ્રાઈવેટ ચેનલ સાથે વાતચીતમાં ધ્યાન અપાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી 400 જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી.
કુલ કેસના 80 ટકા કેસો 62 જિલ્લાઓમાંથી આવ્યા છે. કુમારે જણાવ્યું કે, જોકે. શક્ય છે કે, આ જિલ્લાઓમાં લૉકડાઉન પણ વધારવામાં આવે. દેશમાં કુલ 718 જિલ્લા છે જેમાંથી 300થી વધુ જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે.
જોકે, ઘણી જગ્યાએ સંશય એ વાતનો રહે છે કે, ઘણી જગ્યાએ લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં અને જો આવું થતું રહ્યું તો બની શકે છે કે, જે રાજ્યોમાં કોરોના નથી ત્યાં પણ કેસ સામે આવવા લાગે.
મોટાભાગના જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એ વાત કહેવામાં આવી છે કે, જો લૉકડાઉનનું યોગ્ય પાલન થતું રહેશે તો આગળ પણ કોરોના ત્યાં પ્રવેશી શકશે નહીં.
આ ઉપરાંત જે સ્થળો હૉટસ્પૉટ્સ તરીકે ઉભર્યા છે, તેમાંથી મોટાભાગમાં મોટાપાયે ટેસ્ટિંગ અને ઘરે-ઘરે જઈને સ્ક્રીનિંગ દ્વારા સંક્રમણે ફેલાવતા રોકવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં રોજ ઝડપી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના કુલ 5734 કેસ થઈ ચૂક્યા છે. 166 લોકોના મોત થયા છે જ્યારે 473 લોકો સારવાર બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે.
રાજ્યોની વાત કરીએ તો અત્યારે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં અત્યાર સુધી 1135 કેસની પુષ્ટિ થઈ છે. તમિલનાડુમાં 738 અને દિલ્હીમાં 669 કેસ નોંધાય છે.