ભારતમાં કોરોનાના દર્દીઓમાં 83 ટકા પુરૂષો, દર્દીઓની સરેરાશ વય 54 વર્ષ
નવી દિલ્હી, તા.11 એપ્રિલ 2020, શનિવાર
ભારતમાં કોરોનાના જે દર્દીઓ સામે આવ્યા છે તેમને લઈને ઈન્ડિન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કરેલા એક સર્વેમાં રસપ્રદ તારણ બહાર આવ્યા છે.
દેશના 20 રાજ્યોના 52 જિલ્લામાં કોરોનાના 5911 દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યુ છે કે, કોરોનાના દર્દીઓની સરેરાશ વય 54 વર્ષ છે. દર્દીઓમાં 83 ટકા પુરુષો અને માત્ર 17 ટકા જ મહિલાઓ છે. 81 ટકા દર્દીઓ એવા છે જેમની વય 50 વર્ષ રકતા વધારે છે.
જોકે સંશોધકો મહિલાઓ કરતા પુરુષોમાં તેનુ પ્રમાણ કેમ વધારે છે તે હજી સોધી શક્યા નથી.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધનમાં પણ આ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી.
કેટલાક જાણકારોનુ માનવુ છે કે, પુરુષોમાં સ્મોકિંગની લત વધારે દર્દીઓ હોવા પાછળનુ એક કારણ હોઈ શકે છે. કારણકે સ્મોકિંગ કરનારાના ફેફસા નબળા પડી જતા હોય છે. ઈટાલીમાં પણ આ એક મહત્વનુ કારણ હોવાનુ બહાર આવ્યુ છે.
એક સામાજિક કારણ એ પણ હોઈ શકે છે કે, મહિલાઓના મુકાબલે પુરુષો વધારે સમય ઘરની બહાર નીકળે છે એટલે તેમને ચેપ લાગવાની શક્યતા વધારે છે. જોકે ઘરમાં તે મહિલા સભ્યોને પણ તે ચેપ લગાડી શકે છે. આમ પુરુષોમાં સંક્રમણના વધારે મામલા વૈજ્ઞાનિકો માટે ભવિષ્યમાં પણ રિસર્ચનો વિષય બની શકે છે.