ના લોકડાઉન, ના માર્કેટ બંધઃ જાણો દુનિયાના આ દેશે કોરોના પર કેવી રીતે કસી લગામ
સિઓલ, તા.25 માર્ચ 2020, બુધવાર
કોરોનાના કહેરને રોકવા માટે દુનિયાના મોટાભાગના દેશો લોકડાઉનનો ઉપાય અજમાવી રહ્યા છે પણ દુનિયાનો એક દેશ એવો પણ છે જેણે લોકડાઉન કર્યા વગર કે બજારો બંધ કર્યા વગર કોરોનાના કહેર પર કાબૂ મેળવીને બતાવ્યો છે.
આ દેશ છે સાઉથ કોરિયા. આ દેશની તો બોર્ડર પણ ચીનને અડેલી છે. આજે દક્ષિણ કોરિયા કોરોનાથી પ્રભાવિત દેશોના લિસ્ટમાં 8મા નંબરે છે. અહીંયા 9000 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા અને 129 લોકોના મોત થયા હતા.જોકે હવે 3500 લોકો સાજા થઈ ગયા છે. 59 દર્દીઓ હજી ગંભીર છે.
પહેલા આ સ્થિતિ નહોતી. 8-9 માર્ચના રોજ 8000 કેસ સામે આવ્યા હતા. જોકે વિતેલા બે દિવસમાં 12 જ નવા કેસ નોંધાયા છે.
દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી કાંગ યુંગ વાનુ કહેવુ છે કે, ઝડપથી ટેસ્ટ અને બહેતર સારવારના કારણે વાયરસના મામલા ઓછા થયા છે. અમે દેશમાં 600 ટેસ્ટ સેન્ટર ખોલ્યા હતા. આ માટે દરેક જગ્યાએ ટ્રાન્સપરન્ટ ફોન બૂથને ટેસ્ટિંગ સેન્ટરમાં બદલી નાંખવામાં આવ્યા હતા.
તેના સિવાય સાઉથ કોરિયાએ સંક્રમણ રોકવા મોટી ઈમારતો, હોટલો, પાર્કિંગ અને સાર્વજનિક સ્થળો પર થર્મલ ઈમેજિંગ કેમેરા લગાવી દીધા હતા. આ કેમેરા જે વ્યક્તિનુ ટેમ્પરેચર વધારે હોય તેને ઓળખી શકે છે. જેનાથી તાવ આવતો હોય તેવા વ્યક્તિની તરત ઓળખ થઈ શકી હતી.
હોટલો ,રેસ્ટોરન્ટોમાં પણ શરીરનુ તાપમાન જોયા પછી જ જવાની પરવાનગી અપાતી હતી. એટલે સુધી કે લોકોને મોબાઈલ કેવી રીતે વાપરવો તેની પણ સલાહ આપવામાં આવી હતી.
ઉપરાંત લોકોને જે હાથથી રોજના મોટાભાગના કામ કરવાની આદત હોય તેમને પણ તે હાથ ચહેરા પર નહી અડકવાની તાકીદ કરાઈ હતી. આ સલાહ પણ કામ કરી ગઈ હતી.