આશાનુ કિરણ, કોરોનાના 80 ટકા દર્દીઓને સારવારની જરુર નથી પડી રહી
નવી દિલ્હી, તા.13 એપ્રિલ 2020, સોમવાર
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આશાનુ કિરણ પણ જોવા મળ્યુ છે.
દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ એવા છે જેમને હોસ્પિટલમાં સારવારની ખાસ જરુર પડી નથી. માત્ર 20 ટકાને જ સઘન સારવાર આપવામાં આવી રહી છે.જોકે હાલમાં દેશના 601 હોસ્પિટલમાં 1.05 લાખ બેડ છે અને તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેવી સ્થિતિ છે. જેના પગલે જેમને સારવારની જરુર નથી તેવા દર્દીઓને પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગર્વાલના કહેવા પ્રમાણે ભારત આ વાયરકસથી એક ડગલુ આગળ ચાલી રહ્યુ છે. આ લડાઈમાં લોકોએ પણ સહયોગ કરે તે જરુરી છે. સામાજીક અંતર એટલે કે સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવુ બહુ જરુરી છે.
સરકારે દાવો કર્યો છે કે, જો કોરોનાના કેસમાં ઝડપથી વધારો થાય તો તેને પણ પહોંચી વળવા માટે પુરતી તૈયારી છે. આજે દેશમાં એક લાખથી વધારે દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા ઉપલબ્ધ છે.