કોરોના ઈફેક્ટ, મૂડીઝે ભારતના ગ્રોથ રેટનુ અનુમાન ઘટાડીને 5.3 ટકા કર્યુ
નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો વાગે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.જેના પગલે આંતરરાષ્ટ્રિય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન ઘટાડી દીધુ છે.
આ પહેલા મૂડીઝે કહ્યુ હતુ કે, 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેશે પણ હવે આ અનુમાન ઘટાડીને 5.3 ટકા કરવામાં આવ્યુ છે. જ્યારે 2021માં ગ્રોથ રેટ 6.6 ટકાનો રહેશે તેવુ અનુમાન કરાયુ હતુ.જે હવે ઘટાડીને 5.8 ટકા રહેશે તેમ મૂડીઝનુ કહેવુ છે.
એજન્સીએ કહ્યુ હતુ કે, કોરોના વાયરસના કારણે ઘરેલુ માંગ પણ પ્રભાવિત થશે.સપ્લાય ચેન પર પણ અસર પડી રહી છે અને તેની સાથે દેશોનો એક બીજા સાથેનો વેપાર પણ અટકી રહ્યો છે. હાલમાં વિમાન સેવા, હોટલો, ક્રૂઝ લાઈનર, રેસ્ટોરન્ટો, મનોરંજન એમ તમામ પ્રકારના વ્યવસાય પર જોખમ આવી ગયુ છે. વાહન કંપનીઓ પણ પ્રભાવિત થઈ રહી છે. જો વાયરસનો પ્રભાવ વહેલી તકે ઓછો થશે તો એજન્સી પોતાના અનુમાન પર ફરી એક વખત વિચાર કરી શકે છે.