લખનૌ, 17 એપ્રિલ, 2020, શુક્રવાર
વાયરસે સમગ્ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તેમાંથી ભારત પણ બાકાત નથી પરંતુ ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના એક ગામની તો કોરોનાએ ઉંઘ હરામ કરી દીધી છે નવાઇની વાત તો એ છે કે આ ગામમાં કોરોનાનો એક પણ કેસ બન્યો ન હોવા છતાં આફત આવી છે કારણ કે આ ગામનું નામ જ કોરોના છે. કોરોના મહામારી છેલ્લા કેટલાક સમયથી ફેલાઇ છે પરંતુ આ ગામનું નામ તો દાયકાઓથી કોરોના છે. આ કોરોના નામ કેવી રીતે પડયું એ અંગે ગામ લોકો કશું જાણતા નથી પરંતુ હવે આ નામ તેમના માટે શાપરુપ બની ગયું છે.

ગામ લોકોના જણાવ્યા મુજબ અમારા ગામને મજાકમાં કોરોના વાયરસ સાથે જોડવામાં આવે છે પરંતુ તેની સાથે અમારે કોઇ જ લેવા દેવા નથી. જેમ લોકડાઉનમાં બધા મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે એવી મુશ્કેલીઓ કોરોના ગામને પણ પડી રહી છે આથી કોરોના વાયરસની મહામારીથી લોકો જલદીથી બહાર નિકળે તેવી પ્રાર્થના કરી રહયા છે. આજુબાજુના ગામોના લોકો અને સગા સંબંધીઓ કોરોનાવાળા કહીને મજાક કરે છે. લોકડાઉન દરમિયાન ગામની એક વ્યકિતએ કોરોનાથી બોલું છંુ એમ કહેતા જ સામેની વ્યકિતએ ફોન કાપી નાખ્યો હતો. કોરાના વાયરસના પગલે લૉકડાઉનનો અમલ ન હતો ત્યારે પણ આપ તો કોરોના વાલે હૈ એવી મશ્કરી થતી હતી.
૮૦૦૦ની વસ્તી ધરાવતા કોરોના ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.ગામ લોકોને હમણા સુધી કોરોના વાયરસ અંગે કોઇ જાણકારી ધરાવતા ન હતા. લોક ડાઉન પહેલા બહાર ગામ રહેતા ગ્રામવાસીઓ પણ ગામમાં રહેવા આવી ગયા હતા.આથી તેઓ કોરોનાથી બચવા કોરોનામાં આવ્યા એવી ટિખળ થતા કેટલાક સંવેદનશીલ માણસોને ખોટું લાગે છે. ગામના વડિલોનું માનવું છે કે આ ગામ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. હોળીના ૧૫ દિવસ પહેલા ૮૮ હજાર ઋષીઓની તપોભૂમિ ગણાતા નૈમિષારણ્યથી શરુ થતી ૮૪ કોષિય પરિક્રમાનો પ્રથમ પડાવ કોરોના ગામથી શરુ થાય છે પરંતુ નામના કારણે શરમમાં મુકાવું પડશે એવું કયારેય વિચાર્યુ ન હતું. લોક ડાઉન પુરુ થાય એ પછી કોરોના જેવા ખતરનાક વાયરસને મળતું આવતું નામ ધરાવતા ગામનું નામ બદલી નાખવા ઇચ્છે છે.


