130 કરોડ લોકો લોકડાઉનમાં છતાં કોરોનાના પોઝિટીવ કેસ 3100ને પાર, 86ના મોત નીપજ્યા
નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2020 શનિવાર
કોરોના મહામારીથી દેશમાં સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી 3100થી વધારે લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 86ના મોત નીપજ્યા છે. દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. આ તમામ 2 કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં આજે 1-1નું મોત નીપજ્યુ છે.
ભારતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના કુલ 563 કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 3100ને પાર થઇ ગઇ છે. આ પહેલા ગુરૂવારે પણ દેશમાં 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
કોરોના સામેની લડતમાં સરકારે હવે હોટસ્પોટ વિસ્તારોમાં પરીક્ષણો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આઈસીએમઆરે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ના નિદાન માટે 182 લેબોરેટરી કાર્યાન્વિત થઈ ગઈ છે. જેમાંથી 130 સરકારી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે 8000થી વધુ સેમ્પલ્સ લેવાયા છે.
આઈસીએમઆરે દેશના કોરોના વાઈરસ હોટસ્પોટમાં ઝડપી એન્ટીબોડી ટેસ્ટના ઉપયોગની ભલામણ કરી છે. સરકારે જણાવ્યું હતું કે દેશમાં મેડિકલ પુરવઠાની કોઈ અછત નથી. તેમણે 10 કરોડથી વધુ હાઈડ્રોક્લોરોક્વિન ટેબ્લેટ્સ ખરીદવાના આદેશ આપ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં તબલિગી જમાતના સંમેલનના કારણે દેશમાં હજારો લોકો પર કોરોનાના સંક્રમણનો ભય વધ્યો છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે લોકોને જાગૃત કરવાના સરકારના પ્રયાસોના કારણે કોરોનાનો પ્રસાર ધીમો પડયો હતો. પરંતુ દિલ્હીમાં તબલિગી જમાતના સંમેલનના કારણે અચાનક કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે.
છેલ્લા બે દિવસમાં તબલિગી જમાતના 647 કેસ નોંધાયા છે, જેમને ક્વોરન્ટાઈન કરાયા છે. દેશમાં કોરોનાના કેસોની બાબતમાં મહારાષ્ટ્રમાં જ્યારે મૃત્યુની બાબતમાં ગુજરાતની સ્થિતિ સૌથી ગંભીર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 490થી વધુ કેસો છે, જેમાંથી 26 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 42 સાજા થઈ ગયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 105 હોવા છતાં તેમાં મૃત્યુઆંક 9 છે, જે દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ હોવાનું મનાય છે. મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં 386 કેસ નોંધાયા છે.
દિલ્હીમાં નિઝામુદ્દિન મરકઝની ઘટના પછી નવા કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જોકે, દિલ્હીમાં અત્યાર સુધીમાં 6 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ (411 કેસ, 1 મોત) કેરળ (295 કેસ, 2 મોત), તેલંગાણા (229 કેસ, 11 મોત), ઉત્તર પ્રદેશ (174 કેસ, 2 મોત), રાજસ્થાન (166 કેસ, 3 મોત), મધ્ય પ્રદેશ 129 કેસ, 8 મોત)નો સમાવેશ થાય છે.
જોકે, દેશમાં અત્યાર સુધીમાં 207 લોકો સાજા થયા છે અને તેમને ઘરે જવાની મંજૂરી અપાઈ છે. કોરોના સામેની આ લડતની સાથે હાલમાં કેન્દ્ર સરકારમાંથી એવા સંકેતો મળી રહ્યા છે કે દેશમાં 21 દિવસનું લોકડાઉન 14મી એપ્રિલે પૂરું થશે ત્યાર પછી તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે.