India

CM માનને 3 કલાક એરપોર્ટ પર રોકી રખાતા વિવાદ, 50 હજારનો દંડ પણ ફટકાર્યાનો દાવો

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રાન્સથી દિલ્હી એરપોર્ટ પરત ફરતી વખતે 50,000 રૂપિયાની કસ્ટમ્સ ડ્યૂટી ભરી હતી. AAPએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે જાણી જોઈને તેમને 3 કલાક રોકી અપમાન કર્યું, જ્યારે કસ્ટમ્સ સૂત્રોએ સામાન જાહેર ન કરવા બદલ ડ્યૂટી વસૂલ્યાનું જણાવ્યું. આ ઘટનાથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CM માનને 3 કલાક એરપોર્ટ પર રોકી રખાતા વિવાદ, 50 હજારનો દંડ પણ ફટકાર્યાનો દાવો

Bhagwant Mann Delhi Airport 50000 Rupees Customs Duty News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રાન્સથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકવામાં આવ્યા હતા અને તેમના પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો છે. જોકે, એરપોર્ટના કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાનમાં કેટલીક વસ્તુઓ જાહેર ન કરવા બદલ માન પર 50 હજાર રૂપિયાની કસ્ટમ્સ ડ્યૂટી લાદવામાં આવી હતી.

AAPના પંજાબ એકમના મીડિયા પ્રભારી બલતેજ પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરીને આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે જાણીજોઈને મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે. તેમના દાવા મુજબ, માનને એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જવા દેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ ઉપરથી દબાણ હોવાની વાત કરી હોવાનો દાવો

પન્નુના જણાવ્યા અનુસાર, માન પંજાબની પ્રખ્યાત પેદાશોને પેરિસના એક મોટા ખાદ્ય મહોત્સવમાં રજૂ કરવા ગયા હતા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેમને જરૂરી પ્રોટોકોલ આપવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં ફ્રાન્સમાં ભારતીય કોન્સલ જનરલ તેમને મળવા આવ્યા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પન્નુએ દાવો કર્યો હતો કે એરપોર્ટ પર માનને તેમના સામાનની તપાસ અને સામાન આવવાની રાહ જોવાનાં કારણો આપીને રોકવામાં આવ્યા હતા. ત્રણ કલાક બાદ તેઓ વાહનમાં બેસીને રવાના થવાના હતા ત્યારે અધિકારીઓએ તેમને રોકીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓએ ઉપરથી ભારે દબાણ હોવાનું જણાવ્યું હોવાનો પણ પન્નુએ આરોપ લગાવ્યો હતો. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અકાલી દળે પણ લગાવ્યા આક્ષેપ

બીજી તરફ, શિરોમણિ અકાલી દળના મહાસચિવ બિક્રમ સિંહ મજીઠિયાએ દાવો કર્યો હતો કે ભગવંત માન અને તેમનાં પત્ની ગુરપ્રીત કૌરને મંજૂર મર્યાદા કરતાં વધુ સામાન અથવા નાણાં સાથે રાખવાની શંકાને આધારે પૂછપરછ માટે રોકવામાં આવ્યાં હતાં. સંતોષકારક ખુલાસો ન મળતાં તેમની તપાસ કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. AAPના નેતા સૌરભ ભારદ્વાજે આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રના વલણને અહંકાર ગણાવતાં કહ્યું હતું કે આવું વલણ બંધ થવું જોઈએ.

પંજાબના રાજકારણમાં વિવાદ

આ ઘટનાએ પંજાબના રાજકારણમાં વિવાદ ઊભો કર્યો છે. એક તરફ AAPએ કેન્દ્ર પર રાજકીય દબાણનો આરોપ મૂક્યો છે, જ્યારે બીજી તરફ કસ્ટમ્સનાં સૂત્રોએ સામાન જાહેર ન કરવાને કારણે ડ્યૂટી વસૂલવામાં આવી હોવાનું જણાવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલો ભારે વિવાદિત બન્યો છે. સમગ્ર મામલે રાજકારણ શરૂ થઇ ચુક્યું છે.