- અયોધ્યાનમાં સાત હજાર જવાનોના સુરક્ષા કવચ વચ્ચે અનુષ્ઠાન
- અયોધ્યા, કાશી, દક્ષિણ ભારતના 108 આચાર્યો દ્વારા અનુષ્ઠાન, છ હજારથી વધુ મહેમાનો હાજર રહેવાની શક્યતા
- સોમવારે ભાગવત, યોગી આદિત્યનાથ મંદિરે પહોચ્યા
- અયોધ્યાના સપાના સાંસદ અવધેશને આમંત્રણ નહીં
અયોધ્યા : ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પૂર્વે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો, હવે આ રામ મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણરીતે પૂર્ણ થઇ ગયું છે તેથી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાની જેમ ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. મંગળવારે મોદી રામ મંદિર પર ભગવા રંગની ધજા લહેરાવશે. અયોધ્યાને શણગારવામાં આવી છે સાથે જ આશરે સાત હજાર જેટલા સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે જેમાં કમાન્ડોનો પણ સમાવેશ થાય છે.
મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમ માટે આશરે ૬ હજાર જેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ટોચના નેતાઓ, સાધુ સંતોથી લઇને અનેક સેલિબ્રિટીઓ, બિઝનેસમેન વગેરેનો સમાવેશ થાય છે. આ તમામની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પર ભગવા રંગની ધજા લહેરાવશે. મોદી મંગળવારે સવારે ૧૧.૫૨ અને ૧૨.૩૫ વાગ્યાના સમયગાળા દરમિયાન ધ્વજારોહણ કરશે.
ધ્વજારોહણ બાદ મોદી પૂજાપાઠમાં સામેલ થશે અને વિશેષ મહેમાનોને સંબોધન પણ કરશે. આ પહેલા સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જઇને ધ્વજારોહણના સમારોહની તૈયારીઓની માહિતી મેળવી હતી. આ અનુષ્ઠાનને અયોધ્યા, કાશી અને દક્ષિણ ભારતના વૈદિક આચાર્યો સંપન્ન કરાવશે. કાશીના જાણીતા ગણેશ્વર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા, કાશી, દક્ષિણ ભારતના ૧૦૮ આચાર્યો દ્વારા આ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવશે. સમારોહ દરમિયાન સૂર્યના નિશાનવાળી ભગવા રંગની ધજા લહેરાવવામાં આવશે.
બીજી તરફ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ અયોધ્યા પહોંચ્યા છે, તેઓએ સોમવારે એક ગુરૂદ્વારાની મુલાકાત લીધી હતી. જે બાદ તેઓ રામ મંદિર પરિસરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યારે રામ મંદિર ધ્વજારોહણને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી હતી. દરમિયાન ધ્વજારોહણને લઇને રાજકીય વિવાદ પણ સામે આવ્યો છે. અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને ધ્વજારોહણ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં નહોતુ આવ્યું તેઓ દાવો તેમણે કર્યો હતો.


