Former MLA Laxman Singh expelled from the Party : કોંગ્રેસે વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના ભાઈ અને મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહ સામે મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસમાં તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પહેલા પાર્ટીએ તેમને કારણદર્શક નોટિસ પણ આપી હતી. આ મામલો રાહુલ ગાંધી સહિત પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. પાર્ટીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને લક્ષ્મણ સિંહની અપમાનજનક ટિપ્પણીઓએ બધી હદો પાર કરી દીધી છે.
શું હતું લક્ષ્મણ સિંહનું નિવેદન
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની ટિપ્પણીઓએ પાર્ટીની છબી અને ગરિમાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ 25 એપ્રિલે લક્ષ્મણ સિંહે પાર્ટી નેતૃત્વ પર હુમલો કર્યો હતો. તેમણે પહલગામ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત શોક સભા દરમિયાન કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા ખૂબ જ નાદાન છે. દેશ તેમની અપરિપક્વતાનું પરિણામ ભોગવી રહ્યો છે.
લક્ષ્મણ સિંહને પાર્ટીની શિસ્ત કાર્યવાહી સમિતિ (DAC) ના સભ્ય સચિવ તારિક અનવરે 9 મેના રોજ નોટિસ જારી કર્યા બાદ લક્ષ્મણ સિંહને 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
ભાજપમાં પણ રહી ચૂક્યા છે લક્ષ્મણ સિંહ
પૂર્વ લોકસભા સભ્ય તથા પૂર્વ ધારાસભ્ય સિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે. 25 એપ્રિલના રોજ તેમણે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, તેમની આતંકવાદીઓ સાથે મિલીભગત હોઈ શકે છે.


