Get The App

ટ્રમ્પ વિશે ગયા અઠવાડિયે કરેલી પોસ્ટ માટે મને ખેદ છે... 'X' પર પોસ્ટ બદલ મસ્કે માંગી માફી

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
Musk Apologizes for His Post

Musk Apologizes for His Posts: સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે X પર ડોનાલ્ડ ટ્રમ્પ વિશે લખેલી પોસ્ટ અંગે માફી માગી છે. 

ઈલોન મસ્કે માગી માફી 

ઈલોન મસ્કે પોતાના X હેન્ડલ પર આજે એક નવી પોસ્ટ લખી છે, જેમાં મસ્કે લખ્યું છે કે, 'ગયા અઠવાડિયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મારી લખેલી કેટલીક પોસ્ટ પર મને ખેદ છે. મેં વિવાદ વધારી દીધો.'

બંને વચ્ચે શું હતો વિવાદ?

ઈલોન મસ્ક અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો તણાવ ત્યારે શરુ થયો, જ્યારે મસ્કે ટ્રમ્પના 'વન બિગ બ્યુટીફૂલ બિલ'ને 'X' પર ઘૃણાસ્પદ બિલ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પની ટેરિફ નીતિ અમેરિકાને મંદીમાં ધકેલી શકે છે. મસ્કે ટ્રમ્પના મહાભિયોગ(Impeachment)ને સમર્થન કરતાં 'X' પર પોસ્ટ કરી હતી. જોકે, તેમણે પાછળથી ડિલીટ કરી દીધી હતી. તેમણે જેફરી એપસ્ટેઇન સાથે ટ્રમ્પના કથિત જૂના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને ટ્રમ્પે જૂનો અને ખોટો મુદ્દો ગણાવ્યો હતો.

મસ્ક અંગે ટ્રમ્પની પ્રતિક્રિયા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કના નિવેદનોને પ્રમુખ પદનો અનાદર ગણાવતાં કહ્યું કે, 'હું મસ્કથી નિરાશ છું, જેમણે બિલની ખુલ્લેઆમ ટીકા કરી છે અને તેને ક્લીન એનર્જી ઇન્ડસ્ટ્રીઝ માટે અયોગ્ય ગણાવ્યું છે.' 

નોંધનીય છે કે, ઈલોન મસ્કે ટ્રમ્પના ચૂંટણી પ્રચારને ઘણો આર્થિક ટેકો આપ્યો હતો. બદલામાં ટ્રમ્પે તેમને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)ના વડા પણ બનાવ્યા, પરંતુ મસ્કે આ પદ પરથી રાજીનામું આપી દીધું.

ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે તે મસ્કની કંપની ખાસ કરીને સ્પેસએક્સ (SpaceX) સાથે સરકારી કરારો અને સબસીડી સમાપ્ત કરવાનું વિચારી શકે છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

ટ્રમ્પ વિશે ગયા અઠવાડિયે કરેલી પોસ્ટ માટે મને ખેદ છે... 'X' પર પોસ્ટ બદલ મસ્કે માંગી માફી 2 - image