પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ
Pahalgam Terror Attack: પહલગામ હુમલા પર કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલા વિવાદિત નિવેદનોથી પક્ષના હાઇકમાન્ડે હાથ ઝાટક્યા છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી નારાજગી વ્યક્ત કરતાં તમામ નેતાઓને કડક આદેશ આપ્યા છે કે, તેઓ આ મુદ્દે પક્ષથી વિરુદ્ધ કોઈ નિવેદન ન આપે, જો નિવેદનો આપશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પણ પક્ષના નેતાઓના વિવાદિત નિવેદનો પર સ્પષ્ટતા કરી છે કે, વિવિધ નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલા નિવેદનો વ્યક્તિગત છે. જેની પક્ષ જવાબદારી લેતું નથી. કોંગ્રેસ પક્ષના નિવેદન અને પ્રતિક્રિયા સીડબ્લ્યૂસી રિઝોલ્યુશનમાં દર્શાવવામાં આવી છે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા જ કોંગ્રેસ પક્ષની છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે આ સંદર્ભે ટૂંકસમયમાં સત્તાવાર નિવેદન આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ નેતાઓ પહલગામ મુદ્દે પક્ષના વલણ મુજબ નિવેદન આપે. પક્ષની એકતા અને સંગઠનાત્મક શિસ્ત જાળવી રાખતાં હાઇકમાન્ડે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, નેતા પક્ષની લાઇનથી ભટકી જશે, તો તેમણે માઠા પરિણામો ભોગવવા પડશે.
વિપક્ષના નેતાઓની ભારે ટીકા
પહલગામ હુમલા સંદર્ભે વિપક્ષના અમુક નેતાઓના નિવેદનની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે પણ ટીકા કરી હતી કે, અમુક કોંગ્રેસ નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો ઉદ્દેશ શું છે? પાકિસ્તાન ટીવી પર કોંગ્રેસ નેતાઓનું નિવેદન ચાલી રહ્યું છે. કર્ણાટકના મંત્રી આરબી તિમ્માપુરે કહ્યું કે, આતંકવાદીઓએ લોકોને મારતા પહેલાં તેમનો ધર્મ પૂછ્યો નથી. અન્ય એક કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે પણ કહ્યું કે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક વ્યક્તિને તેનો ધર્મ પૂછવા રહ્યા... મૃતકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોને તેઓ ખોટા ઠેરવી રહ્યા છે. આ પ્રકારના નિવેદનો અસંવેદનશીલતાની પરાકાષ્ઠા છે.
સુધાંશુ ત્રિવેદીએ કરી ટીકા
ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષ નેતાઓના નિવેદન પર કહ્યું કે, દુર્ભાગ્ય અને દુઃખની વાત છે, હું કહેવા માગું છું કે, કોંગ્રેસના અમુક નેતા એવા શબ્દોનું પુનરોચ્ચાર કરી રહ્યા છે, જે પાકિસ્તાની મંત્રીઓ દ્વારા બોલવામાં આવ્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ જણાવ્યું કે, યુદ્ધ કોઈ વિકલ્પ હોવો જોઈએ નહીં. આ પ્રકારનું નિવેદન પાકિસ્તાનના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને ગૃહ મંત્રી આપી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓના આ નિવેદનો તેમનો અસલી ચહેરો ઉઘાડો પાડી રહ્યા છે.