'અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે કંઈક કરો...' સુપ્રીમ કોર્ટે OTT, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર પાસે માગ્યો જવાબ
Supreme Court Issues Notice To Ban Sexually Explicit Content: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઓટીટી પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ પાઠવી અશ્લીલ દેશ્યો પ્રસારિત ન કરવા મુદ્દે કડક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, અલ્ટ બાલાજી, એએલટીટી, એક્સ, મેટા ઈન્ક, ગુગલ, એપલ, મુબી સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે આ મામલે જવાબ પણ માગ્યો છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગ્સ્ટિન જ્યોર્જ માસિહની બેન્ચે જણાવ્યું હતું કે, આ અરજીએ મહત્ત્વની ચિંતા ઊભી કરી છે. આ મુદ્દો કારોબારી અથવા વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવે છે. તેમાં મૂકવામાં આવેલા આરોપો વિધાનસભા અને કારોબારી સત્તા પર અતિક્રમણ સમાન છે. તમે આ મુદ્દે કંઈક કારોબારી પગલાં લો. પાંચ અરજદારો દ્વારા દાખલ આ અરજીમાં ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ લાદવા નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટી ટુ પ્રોહિબિટ (નેશનલ કન્ટેન્ટને પ્રતિબંધ મૂકતું સત્તામંડળ) રચવાની માગ થઈ હતી.
ઓટીટી પર પ્રસારિત કન્ટેન્ટમાં વિકૃતતા વધુ
અરજદારો તરફથી હાજર વકીલ વિષ્ણુ શંકર જૈને દલીલ કરી હતી કે, ઓટીટી અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ કોઈ પણ પ્રકારના નિયમન કે તપાસ વિના પ્રસારિત થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અશ્લીલ કન્ટેન્ટ અમુક કાર્યક્રમો સુધી સીમિત નથી, પરંતુ ઘણા નિયમિત આવતા કાર્યક્રમોમાં પણ આ પ્રકારના કન્ટેન્ટ પ્રસારિત થાય છે. અમુક કાર્યક્રમ એટલા બધા વિકૃત હોય છે, કે બે જણ સાથે બેસી પ્રોગ્રામ જોઈ શકતા નથી.
આ પણ વાંચોઃ 'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ
અશ્લીલ કન્ટેન્ટ પર કંટ્રોલ જરૂરી
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા નીતિ નિર્માણ હેઠળ છે. કેન્દ્ર સરકારની જવાબદારી છે કે, તે તેના પર વિચાર કરે. આથી તમામ સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી જવાબ મગાવવામાં આવ્યો છે. આ અરજી ઉદય માહૂરકર, સંજીવ નેવર, સુદેશના ભટ્ટાચાર્ય મુખરજી, શતાબ્દી પાન્ડે અને સ્વાતિ ગોયલ દ્વારા કરવામાં આવી હતી.
અશ્લીલ કન્ટેન્ટના કારણે ગુનો વધ્યો
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પોર્નોગ્રાફિક, અશ્લીલ સહિત વિકૃત કન્ટેન્ટની ભરમાર વધી છે. જેના લીધે મહિલાઓ અને બાળકો પર અત્યાચાર વધ્યો છે. યુવાનોના માનસિક વિકાસ પર અસર થઈ છે. વિકૃત માનસિકતામાં વધારો થયો છે. બાળકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. જ્યાં સુધી ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બાળકો અને સગીરોથી સુરક્ષિત રાખવા માટે કોઈ મજબૂત તંત્ર નહીં બને ત્યાં સુધી તેમની સેવાઓ ભારતમાં બંધ કરવામાં આવે. તેમજ નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટીની રચના કરી અશ્લીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકે. આ સમિતિ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની જેમ કામ કરશે.