આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે

Aadhaar Card New Rule: આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે.
PTIના અહેવાલ અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જોખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે જાહેરનામું બહાર પાડશે.
ડિજિટલ વેરિફિકેશન જ ફરજિયાત
UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગે છે, તે તમામે હવે UIDAIમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ફક્ત ડિજિટલ માધ્યમોથી જ ગ્રાહકનું વેરિફિકેશન કરવું પડશે.
નવા નિયમ મુજબ પેપર-આધારિત વેરિફિકેશનને અટકાવવા અને આધાર ડેટાના દુરુપયોગની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડવા માટે હોટેલ્સ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત API (ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા QR કોડ સ્કેનિંગ અથવા UIDAIની નવી એપ આધારિત વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જશે.
UIDAIની નવી ઍપ્લિકેશન
UIDAI એક નવી ઍપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની મુખ્ય વિશેષતા 'એપ-ટુ-એપ' વેરિફિકેશનની સુવિધા આપવાની છે. આ ઓફલાઇન સુવિધાને કારણે, આધાર કાર્ડના વેરિફિકેશન માટે દરેક વખતે સેન્ટ્રલ સર્વર સાથે લાઇવ કનેક્શનની જરૂર નહીં પડે. જેથી આ ઓફલાઇન સુવિધાનો મોટો ફાયદો એ થશે કે ઍરપોર્ટ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળો જેવા નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં પણ આધાર કાર્ડનું ચેકિંગ હવે સરળતાથી કરી શકાશે.
આ મોડેલ યુઝર્સની પ્રાયવસીને વધુ મજબૂત બનાવશે
નવી સિસ્ટમની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. હાલમાં, ઇન્ટરમીડિયેટ સર્વર સિસ્ટમ પરની ટેકનિકલ સમસ્યાઓના કારણે આધાર વેરિફિકેશન વારંવાર અટકી જાય છે, પરંતુ QR અને એપ-આધારિત ઓફલાઇન વેરિફિકેશન દ્વારા આ મુશ્કેલી દૂર થશે. આ મોડેલ યુઝર્સની પ્રાયવસીને વધુ મજબૂત બનાવશે અને પેપર કૉપી લીક થવાના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરશે, તેમ UIDAI સ્પષ્ટ કરે છે. વધુમાં, આ સંપૂર્ણ વ્યવસ્થા આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થનારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ (Digital Personal Data Protection Act) સાથે પણ સુસંગત છે.

