‘સાચી વાત, રશિયાના ઓઈલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો', કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું કર્યું સમર્થન
India-America Controversy : અમેરિકાએ ભારત પર મસમોટો 50 ટકા ટેરિફ બોંબ ઝિંક્યો બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વારંવાર ભારત વિરોધી બકબક કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમના સલાહકાર પીટર નવારોએ પણ ટ્રમ્પની જેમ લવારી કરી ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યા છે. થોડા દિવસ પહેલા નવારોએ યુક્રેન યુધ્ધ હકિકતમાં મોદી વૉર હોવાનું કહ્યું હતું. તો હવે તેમણે બ્રાહ્મણો મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવારોએ તાજેતરમાં કહ્યું કે, ભારતીય બ્રાહ્મણો રશિયા પાસેથી ઓઈલ ખરીદીને સૌથી વધુ નફો મેળવી રહ્યા છે. નવારોની લવારીનો દેશના લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમના નિવેદનને તદ્દન વિભાજનકારી ગણાવી રહ્યા છે. જોકે બીજીતરફ કોંગ્રેસ નેતા ઉદિત રાજે પીટર નવારોના નિવેદનનું સમર્થન કર્યું છે.
ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો : ઉદિત રાજ
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને દલિત નેતા ઉદિત રાજે નવારોના ધડમાથા વગરના દાવાનું સમર્થન કર્યું છે. ઉદિતે કહ્યું કે, ‘ભારતના ઊંચી જ્ઞાતિના કોર્પોરેટ લોકો રશિયા પાસેથી ઓઈલ ખરીદીને મોટો નફો રડી રહ્યા છે. તેમણે (નવારો) જે કહ્યું, તે હકીકતની દ્રષ્ટિએ સાચું છે. માત્ર દેશના ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનો જ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને ફાયદો ઉઠાવી રહ્યા છે. હું પીટર નવારોની તે નિવેદનનું સમર્થન કરું છું, જેમાં તેમણે રશિયા પાસેથી ઓઈલ ખરીદી બ્રાહ્મણો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું કહ્યું છે. એ હકીકત છે કે, ભારતમાં કોર્પોરેટ મોટાભાગે ઉચ્ચ જાતિના લોકો દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદી છે, તેને રિફાઈન કરે છે અને ખૂબ ઊંચી કિંમતે વેચે છે. તેનાથી સામાન્ય ભારતીયોને કોઈ ફાયદો થઈ રહ્યો નથી.’
‘પછાત જાતિઓ-દલિતોને કોર્પોરેટ સ્થાપવામાં 100 વર્ષ લાગશે’
ઉદિત રાજે (Udit Raj) એવો પણ દાવો કર્યો છે કે, ‘પછાત જાતિઓ અને દલિતોને દેશમાં કોર્પોરેટ સ્થાપવા માટે 100 વર્ષ લાગશે. મને નથી લાગતું કે દેશમાં પછાત જાતિઓ અને દલિતો, વર્ષો જૂના ભેદભાવને કારણે આગામી 100 વર્ષમાં કોર્પોરેટ ગૃહો સ્થાપી શકશે. નવારોની વાત તથ્યપૂર્ણ રીતે સાચી છે અને કોઈ પણ તેમની વાતનો ઈનકાર કરી શકે તેમ નથી.’
ઉલ્લેખનીય છે, ભારત પર 50 ટકા ટેરિફના મુખ્ય યોજનાકાર નવારો જ છે. પરંતુ ભારતે નમતું ન મૂકતાં નવારો સતત ભારતની વિરુદ્ધમાં ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ સમાજના ઉચ્ચ-ધનિક વર્ગના લોકો માટે થાય છે.
આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન
નવારોએ ભારતમાં જાતિવાદ ભડકાવવા પ્રયાસ કર્યો
યુક્રેન અને રશિયા યુદ્ધને મોદીનું યુદ્ધ કહેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારો (Peter Navarro)એ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેઓ હવે ભારતીયોમાં ભાગલા પાડોની નીતિ અપનાવી રહ્યા છે. નવારો ભારતના બ્રાહ્મણો પર નફાખોરીનો આરોપ મૂકતાં જાતિવાદ ભડકાવી રહ્યા છે, તેમણે કહ્યું કે, ભારતીય બ્રાહ્મણો ભારતીયોના ભોગે સૌથી વધુ નફો રળી રહ્યા છે. નવારોએ આ નિવેદન ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવી રહેલા ક્રૂડના સંદર્ભમાં આપ્યું છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં કહ્યું હતું કે, ‘હું ભારતીયોને સમજાવવા માગું છું કે, શું ચાલી રહ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બ્રાહ્મણો ભારતીયોના ભોગે વધુ નફો કમાઈ રહ્યા છે. પુતિન પાસેથી ક્રૂડ ખરીદવા બદલ માત્ર નવી દિલ્હીને જ સજા નથી મળી, ચીનને પણ મળી છે. ભારત પર વધારાનો ટેરિફ પુતિન પર અંકુશ લાદવા માટે લાદવામાં આવ્યો છે.’
નવારોએ અગાઉ પણ ઝેર ઓક્યું
નવારોએ અગાઉ પણ ભારત વિરુદ્ધ અનેકવખત ઝેર ઓક્યું છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રોડક્ટ્સ પર લાદવામાં આવેલા કુલ 50 ટકા ટેરિફને યોગ્ય ગણાવતાં નવારોએ ભારતને અગાઉ ચીમકી આપી હતી કે, વડાપ્રધાન મોદીની પુતિન અને જિનપિંગ સાથેની નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે. ભારત ટેરિફનો મહારાજા છે. તે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલે છે. અમે ભારતમાં મોટાપાયે નિકાસ કરીએ છીએ, જેનું નુકસાન અમેરિકાના મજૂરો, કરદાતાઓ અને યુક્રેનના લોકોને થઈ રહ્યું છે. મોદી મહાન નેતા છે. મને સમજણ નથી પડી રહી કે, ભારત વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે, તો તે પુતિન અને જિનપિંગ સાથે કેમ હળીમળી રહ્યા છે.