કોંગ્રેસના અધ્યક્ષ ખડગેના પુત્રને ચૂંટણી પંચની નોટિસ : PM મોદી વિરુદ્ધ કર્યું હતું અપમાનજનક નિવેદન
ચૂંટણી પંચે કહ્યું કે, જો પ્રિયંક ખડગે તરફથી જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી કરાશે : કોંગ્રેસે કહ્યું, પ્રિયંકે આવી કોઈ ટિપ્પણી કરી નથી
પહેલા મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ‘ઝેરીલા સાપ’ કહ્યા અને હવે તેમના પુત્રે PM વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી : પિયૂષ ગોયલ
નવી દિલ્હી, તા.03 મે-2023, બુધવાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. પ્રિયંક ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતા ચૂંટણી પંચે આજે કારણદર્શન નોટિસ પાઠવી છે. પ્રિયંકના નિવેદનને ‘અપમાનજનક’ અને પ્રથમ દ્રષ્ટીએ આદર્શ આચાર્ય સંહિતાનું ઉલ્લંઘન ગણાવી ચૂંટણી પંચે કહ્યું કે, જો તેમની તરફથી કોઈપણ જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું, પ્રિયંકે આવી કોઈ ટિપ્પણી કરી નથી
પ્રિયંક ખડગેને ગત પહેલી મેના રોજ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યા હતા. ત્યારબાદ ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે કોંગ્રેસે દાવો કર્યો હતો કે, તેમણે (પ્રિયંકે) આવી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી. પ્રિયંક ખડગે કલબુર્ગી જિલ્લાના ચિત્તપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10 મેના રોજ યોજાવાની છે અને મતગણતરી 13 મેના રોજ થશે.
PM મોદી વિરુદ્ધ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પછી પુત્રએ અપમાનજનક ટિપ્પણી કરી
આ અગાઉ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ નેતા પ્રિયંક ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચમાં ભાજપ તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કોંગ્રેસ નિશાન સાધતા કહ્યું હતું કે, પહેલા તેમના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ‘ઝેરીલા સાપ’ કહ્યા અને હવે તેમના ધારાસભ્ય પુત્રે PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણી પંચને માંગ કરી છે કે, તેઓ આ તમામ મામલામાં કડક કાર્યવાહી કરે.’