કોંગ્રેસે દેશ માટે મહત્ત્વપૂર્ણ દરેક મુદ્દામાં અડચણો ઉભી કરી ઃ મોદી
કોંગ્રેસનું રાજકારણ ખોટા વચનો પૂરતું મર્યાદિત છે જ્યારે ભાજપનું રાજકારણ સખત પરિશ્રમ અને પરિણામલક્ષી
વડાપ્રધાને હરિયાણા પલવલમાં જાહેર સભા સંબોધી
(પીટીઆઇ) પલવલ,
તા. ૧
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે
તે દેશ માટે મહત્ત્વપૂર્ણ દરેક બાબતમાં અવરોધ ઉભો કરે છે. અનામત સહિતના વિવિધ
મુદ્દાઓ પર વડાપ્રધાને વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું.
પાંચ ઓક્ટોબરની ચૂંટણીમાં હરિયાણામાં શાસક પક્ષ ભાજપને
ફરીથી સત્તામાં લાવવાની અપીલ કરતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું રાજકારણ
ખોટા વચનો પૂરતું મર્યાદિત છે જ્યારે ભાજપનું રાજકારણ સખત પરિશ્રમ અને પરિણામલક્ષી
છે.
તેમણે જણાવ્યું હતું કે હરિયાણાનો ઝડપી વિકાસ એ મોદીની
ગેરંટી છે. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈની અને અન્ય ભાજપ નેતાઓની હાજરીમાં મોદીએ
પલવલના લોકોને જણાવ્યું હતું કે હરિયાણાની ચૂંટણી માટે મારી આ છેલ્લી જાહેરસભા છે.
તેમણે જણાવ્યું હતું કે હરિયાણાના દરેક ગામમાં ભાજપની લહેર
છે. દરેક જગ્યાએ એક જ અવાજ સંભળાય છે 'ભરોસા
દિલ સે, ભાજપ ફીર
સે'
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે
તેમનું રાજકારણ ફક્ત ખોટા વચનો પૂરતું મર્યાદિત છે જ્યારે ભાજપનું રાજકારણ સખત
મહેનત અને પરિણામલક્ષી છે.
મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશ માટે મહત્ત્વપૂર્ણ
દરેક મુદ્દામાં અવરોધ ઉભો કર્યો છે. તેઓ અવરોધ ઉભો કરવામાં નિષ્ણાત છે.
કોંગ્રેસે અયાધ્યા,
જમ્મુ-કાશ્મીર, સંસદ અને
વિધાનસભામાં મહિલાઓ માટે અનામત,
ત્રિપલ તલાક જેવા મુદ્દાઓમાં અડચણો ઉભી કરી હતી.
કોંગ્રેસને દેશ અને દેશવાસીઓની સમસ્યા ઉકેલવામાં કોઇ રસ
નથી. કોંગ્રેસે પોતાની વોટ બેંક માટે અનેક કોલેજો, યુનિવર્સિટીઓને લઘુમતિનો દરજ્જો આપ્યો છે. જો કે અગાઉ આ
સંસ્થાઓ પાસે આ દરજ્જો ન હતો.