VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી
Jammu-Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં 13 જુલાઈએ નેશનલ કોન્ફરન્સ (NC) શહીદ દિવસ મનાવવા ઈચ્છતું હતું. પરંતુ તંત્ર દ્વારા તેને લઈને પરવાનગી આપવામાં ન આવી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો કે, તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. જોકે, આજે (14 જુલાઈ) મુખ્યમંત્રીને સુરક્ષા દળો દ્વારા કથિત રીતે રોકવામાં આવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા પઢી હતી. તેમણે કહ્યું કે, 'આજે પણ મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓએ મારામારી પણ કરી પોલીસ ક્યારેક કાયદો ભૂલી જાય છે.'
ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'અફસોસની વાત છે કે એ લોકો દાવો કરી રહ્યાં છે કે, તેમની જવાબદારી ફક્ત સિક્યોરિટી અને લૉ એન્ડ ઑર્ડર છે. તેમની સૂચના મુજબ, અમને ગઈકાલે અહીં આવીને ફાતિહા પઢવાની મંજૂરી નહોતી. બધાને સવારે જ પોતાના ઘરમાં બંધ કરી દીધા હતા. મે કંટ્રોલ રૂમમાં જણાવ્યું કે, હું ત્યાં જઈને ફાતિહા વાંચવા માગુ છું. એટલીવારમાં તો મારા ઘરના ગેટ બહાર બંકર ગોઠવવામાં આવ્યું હતું અને 12-1 વાગ્યા સુધી તેને દૂર કરવામાં આવ્યું ન હતું.'
અમે કોઈના ગુલામ નથી: CM ઓમર અબ્દુલ્લા
CM અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે, 'આજે હું તેમને જાણ કર્યા વિના કારમાં બેસી ગયો અને તેમની બેશરમી જુઓ, આજે પણ તેઓએ અમને અહીં રોકવાનો પ્રયાસ કર્યો. મેં મારી કાર ચોકમાં પાર્ક કરી, આગળ સીઆરપી બંકર લગાવ્યું. પછી ઝપાઝપી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યુનિફોર્મ પહેરનારા પોલીસકર્મીઓ ક્યારેક કાયદો ભૂલી જાય છે. હું તેમને પૂછવા માંગુ છું કે તેમણે કયા કાયદા હેઠળ અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાલના દિવસ માટે અવરોધ હતો. તેમણે કહે છે કે આ એક આઝાદ દેશ છે, પરંતુ વચ્ચે આ લોકો વિચારે છે કે અમે તેમના ગુલામ છીએ. અમે કોઈના ગુલામ નથી. જો આપણે ગુલામ છીએ, તો અહીંના લોકોના. અમે અહીના લોકોના નોકર છીએ.'
આ પણ વાંચો: હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી
તેમણે કહ્યું કે, 'અમે અથાગ કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા. સુરક્ષા દળોએ અમને પકડવાની કોશિશ કરી અને અમારા ઝંડાને ફાડવાની પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના રોકવાના તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા અને અમે ફાતિહા પઢી હતી. ક્યાં સુધી રોકશો...'