NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'પહેલા કરતા વધુ કામ કરીશું'

Bihar Political News : બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં આજે (19 નવેમ્બર) મળેલી એનડીએ (NDA) ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ સહયોગી પક્ષોએ સમર્થન આપ્યું છે.
પહેલા કરતા વધુ કામ કરીશું : નીતિશ કુમાર
એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમારે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં નવી સરકારનો એજન્ડા જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં વધુ વિકાસ કરવો છે અને પહેલા કરતા વધારે કામ કરવું છે. તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનનો પૂરો સહયોગ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
‘આપણું રાજ્ય ખૂબ આગળ વધશે’
તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD) શાસનકાળ પર નિશાન સાધતા કહ્યું કે, ‘2005થી પહેલાંના લોકોએ કોઈ કામ કર્યું? 2005માં જ્યારે અમે આવ્યા ત્યારે અમે કામ કરવાનું શરૂ કર્યું. આ વખતે તો હજી વધુ વિકાસ થશે. આપણું રાજ્ય ખૂબ આગળ વધશે.’
નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર ભાજપના નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને સાથે જ ધારાસભ્યોના સમર્થન પત્ર રજૂ કરીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
આવતીકાલે શપથગ્રહણ
નીતિશ કુમાર હવે આવતીકાલે (20 નવેમ્બર) બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ 10મી વખત આ પદના શપથ લેશે. જ્યારે પાંચમી વખત એવું બનશે કે, નીતિશ કુમાર નવેમ્બર મહિનામાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.
આ પણ વાંચો : ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

