Get The App

ક્લાઈમેટ ચેન્જ દુનિયાની સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ક્લાઈમેટ ચેન્જ દુનિયાની સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ 1 - image


Climate Change: વિશ્વમાં અત્યારે ચારેકોર અનિશ્ચિતતા છે. કોઈ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો ક્યાંક દુકાળ તો ક્યાંક દાવાનળ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક ક્લાઈમેટ ચેન્જના કારણે અન્ય કુદરતી આપત્તિ છે. આમ ચારે તરફ માનવ સર્જિત અને કુદરતી આપત્તિઓનો દોર ચાલી રહ્યો છે. વૈશ્વિક સ્તરે વિકસી રહેલી આ જોખમી ઘટનાઓ એકબીજા સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. છેલ્લાં એક વર્ષમાં સંશોધકો દ્વારા દુનિયાની વિવિધ ઘટનાઓનું નિરીક્ષણ કરીને 28 જેટલા ગ્લોબલ રિસ્ક એટલે વૈશ્વિક જોખમની યાદી તૈયાર કરાઈ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2024માં આ યાદી અને તમામ જોખમના કારણો અને તેની અસરોની ચર્ચા કરાઈ છે. 

આ પણ વાંચો : આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ

યુએનનો વૈશ્વિક જોખમો દર્શાવતો મહત્ત્વનો રિપોર્ટ 

દુનિયાભરના દેશોમાં આ આપત્તિ કેવી રીતે આવશે, તેની અસર કેવી રીતે થશે અથવા તો થઈ રહી છે, મોટા ભાગે કોને વધારે અસર થઈ અને આગામી સમયમાં કેવી અસરો જોવા મળશે તે મુદ્દાની છણાવટ સાથે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં 28 વૈશ્વિક જોખમોની યાદી તૈયાર કરાઈ છે. આ માટે નિષ્ણાતો દ્વારા 136 દેશોમાં સરકાર, નાગરિકો, વ્યવસ્થા તંત્ર, ઉદ્યોગ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોના 1100 લોકોની સાથે ચર્ચા કરાઈ છે. આ તમામ દેશોમાંથી એક જ જવાબ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, ક્લાઈમેટ ચેન્જ ખૂબ જ મોટી ચિંતાજનક બાબત છે. તેના કારણે દુનિયાની મોટા ભાગની વસતીને અસર થઈ છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે. આ ઉપરાંત વ્યાપક પ્રમાણમાં થતું વાયુ, જળ અને જમીન પ્રદૂષણથી પણ લોકોને લાંબા ગાળાની અસર થતી રહેશે.

ક્લાઈમેટ ચેન્જ દુનિયાની સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ 2 - image

વાયુ પ્રદૂષણથી સાતમાંથી ત્રણ ખંડ સૌથી વધુ પરેશાન 

યુએનના સંશોધકોના જણાવ્યા પ્રમાણે ક્લાઈમેટ ચેન્જની દિશામાં યોગ્ય પગલાં લેવાતા નથી. આ કારણસર દુનિયાભરની વસતી પર જોખમ છે. દુનિયાના સાતમાંથી ત્રણ ખંડમાં તેની આડઅસરો થઈ છે. આ મુદ્દે કુલ જવાબ આપનારા લોકોમાંથી 84 ટકા લોકો માનતા હતા કે, ખોટી અને છેતરામણી જાહેરાતો દ્વારા અથવા તો અપૂરતી વિગતો દ્વારા લોકોના હેરાન થવાના કે તેનાથી ગેરમાર્ગે દોરાવના કિસ્સામાં વધારો થયો છે. બીજી તરફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું માનવું છે કે, કોઈપણ બાબતે ખોટી માહિતી અથવા તો છેતરામણી જાહેરાતો કરાય છે, જે સૌથી ખરાબ બાબત છે. આવા કારણથી બે વર્ષમાં ઘણાં લોકોએ હેરાનગતિનો ભોગ બનવું પડ્યું છે. બીજી તરફ દુનિયાના તમામ ખંડના લોકો પર્યાવરણીય જોખમોને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. 

એશિયનો માટે સાયબર સુરક્ષા મોટો મુદ્દો 

આ સર્વેક્ષણ પ્રમાણે કોઈ એક દેશમાં દરેક ક્ષેત્રના લોકો જુદી જુદી કેટેગરીને વૈશ્વિક સમસ્યા ગણે છે. જેમ કે, ઉત્તર આફ્રિકા અને એશિયાના લોકો સાયબર સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. આ ખંડના દેશોમાં સાયબર સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન છે અને તેમાં પણ એઆઈ દ્વારા સાયબર સુરક્ષાનો ભંગ સહજ થઈ ગયું છે, જેને આ લોકો સૌથી મોટું જોખમ મનાય છે. 

દુનિયાની વિવિધ સમસ્યાઓને પાંચ ભાગમાં વહેંચાઈ 

આ સર્વે કરવા દુનિયાભરના દેશોમાં સામાન્ય લોકો જે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેની ઊંડાણપૂર્વક માહિતી ભેગી કરાઈ હતી. આ માટે પાંચ ભાગમાં સમસ્યાઓની વહેંચણી કરાઈ હતી. આ લોકો પર્યાવરણની સાથે રાજકીય, સામાજિક,     ટેક્નોલોજી અને આર્થિક સમસ્યાઓનો પણ ભોગ બન્યા છે. સ્થાનિક સ્તરે દુનિયાના મોટા ભાગના દેશોના લોકો અંતરિક્ષ સંશોધનો કે અંતરિક્ષમાં ફેલાતા કચરાને વૈશ્વિક સમસ્યા જ નથી ગણતા. આ લોકોને તેની ગંભીરતા પણ ખબર નથી. આ લોકો વૈશ્વિક સ્તરની વાત કરે ત્યારે ક્લાઈમેટ ચેન્જ, મોટા પાયે થતું પ્રદૂષણ, નેચરલ હેઝાર્ડસ રિસ્ક, બાયોડાયવર્સિટીની અવગણના અને કુદરતી સંસાધનોની અછત જેવા મુદ્દાને વધુ પ્રાધાન્ય આપે છે. 

આ પણ વાંચો : શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ

આ રિપોર્ટની પાંચ કેટેગરી પ્રમાણે ટોપ ટેન સમસ્યાની વાત કરીએ, તો ટોચની 10 વૈશ્વિક સમસ્યામાં પાંચ પર્યાવરણને લગતી સમસ્યાઓ છે. આ ઉપરાંત ત્રણ રાજકીય અને બે સામાજિક છે. 

ક્રમ સમસ્યા કેટેગરી

  • 1 ક્લાઈમેટ ચેન્જ પર્યાવરણ
  • 2 લાર્જ સ્કેલ પોલ્યુશન પર્યાવરણ
  • 3 ફેક ન્યૂઝ રાજકીય
  • 4 નેચરલ હેઝાર્ડસ રિસ્ક પર્યાવરણ
  • 5 અસમાનતામાં વધારો સામાજિક
  • 6 બાયોડાર્વસિટીમાં ઘટાડો પર્યાવરણ
  • 7 જિયોપોલિટિકલ સમસ્યા રાજકીય
  • 8 કુદરતી સંસાધનોની અછત પર્યાવરણ
  • 9 સામૂહિક પલાયન સામાજિક
  • 10 મોટા યુદ્ધ રાજકીય
Tags :