કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ
Justice Yashwant Verma: જસ્ટિસ યશવંત વર્મા સાથે સંકળાયેલા ‘કેશ કાંડ’ની તપાસ પૂરી થઈ છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સમિતિએ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો છે. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો એમની સામે મહાભિયોગની કાર્યવાહી થશે.
દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં 14-15 માર્ચની રાતે આગ લાગી હતી. આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્યપ્રદેશમાં હતા, ઘરે તેમના પુત્રી અને વૃદ્ધ માતા હતાં. આગ બુઝાવવા ગયેલા અગ્નિશમન દળના કર્મચારીઓને અન્ય સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ બનાવને પગલે જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી, જેનો વકીલોએ ભારે વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો
CIJને સોંપ્યો તપાસ રિપોર્ટ
જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને એને તેમના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસો પછી 4 માર્ચના રોજ CJI સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો.
રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને શુક્રવાર, 9 મે સુધીમાં CJI ને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે કેશ કાંડમાં જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થશે તો તેમણે રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો મહાભિયોગની ભલામણ કરવા માટે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.