ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJI BR Gavai Supreme Court : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા ચીફ જસ્ટિસના સન્માનમાં એક કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ પર કેન્દ્રીત ન હોવાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટ ક્યારેય ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત અદાલત ન હોવી જોઈએ. કારણ કે ચીફ જસ્ટિસ અન્ય તમામ ન્યાયાધીશોમાં ફક્ત પહેલા નંબરે છે, પરંતુ તમામ જજ બરાબરના ભાગીદાર છે. મે હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર (વકીલો) અને બેન્ચ (ન્યાયાધીશો)ને સમાન ભાગીદાર માન્યા છે.'
CJI બીઆર ગવઈએ શું કહ્યું?
CJI બીઆર ગવઈએ કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે ક્યારેય ફક્ત CJI પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ બધા ન્યાયાધીશો અને વકીલોની એક સામાન્ય કોર્ટ છે. તેથી જ હું લોકશાહી રીતે કામ કરવામાં માનું છું. અમે જે પણ નિર્ણયો લઈએ છીએ, તે પૂર્ણ રીતે કોર્ટના નિર્ણયો હોય છે.'
તેમણે કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે 26 મે થી 11 જુલાઈ દરમિયાન આંશિક કાર્યકારી દિવસોમાં છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ કેસો ઉકેલ્યા છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે તેના પરંપરાગત ઉનાળાના વેકેશનને આંશિક કાર્યકારી દિવસમાં બદલી નાખ્યું હતું. મારે કહેવું જ જોઈએ કે, તમારા બધા અને મારા સાથીદારોના સહયોગથી અમે છેલ્લા ઘણા વર્ષોમાં આંશિક કાર્યકારી દિવસોમાં સૌથી વધુ કેસોનો નિકાલ કર્યો છે.'
બાર અને ન્યાય વ્યવસ્થામાં સમાન ભાગીદારને લઈને તેમણે જણાવ્યું કે, 'વકીલોએ હંમેશા તેમને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. મેં હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર અને બેન્ચને સમાન ભાગીદાર માન્યા છે.' બોમ્બે હાઈકોર્ટમાં તેમના કાર્યકાળને યાદ કરતા જસ્ટિસ ગવઈએ કહ્યું કે, 'જ્યારે પણ મને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન બનવાની તક મળી એ સમયે નક્કી કર્યું હતું કે, જ્યારે પણ નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, ત્યારે બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી પણ તે પેનલનો ભાગ રહેશે.'








