સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું 'શું અમે આતંકવાદી છીએ?', નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો
CISF row in Rajya Sabha: સંસદના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે સુરક્ષાને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા જે પી નડ્ડાએ દરમિયાનગીરી કરતાં કહ્યું, 'હું 40 વર્ષથી વિપક્ષમાં બેઠો છું, ગૃહ કેવી રીતે ચાલે છે તે અંગે મારી પાસેથી ટ્યુશન લો.' તેમનું નિવેદન વિપક્ષ પર સીધો હુમલો હતો, જેમાં તેમણે વિપક્ષની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષના નારા લગાવવા પર ભાજપના નેતા જે પી નડ્ડાએ કહ્યું કે, 'જ્યારે સત્ય સાંભળવાની તાકાત ન હોય ત્યારે આવું થાય છે. કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી એ અલોકતાંત્રિક છે.'
ગૃહમાં કઈ બાબત પર થયો હોબાળો?
વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યસભાના ઉપસભાપતિ અને ગૃહના નેતા જે પી નડ્ડા વચ્ચે ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે ખડગેએ ગૃહમાં CISFની તૈનાતી અંગે પ્રશ્ન ઉઠાવ્યો. ખડગેએ પૂછ્યું, શું અમિત શાહ આ ગૃહ ચલાવી રહ્યા છે કે તમે?' વિરોધ કરવાનો અમારો અધિકાર છે, કોઈને તેની સામે કેમ વાંધો હશે. જો તમે CISF લાવો છો, તો શું અમે આતંકવાદી છીએ? તમે પોલીસ અને સૈન્ય લાવીને ગૃહ ચલાવવા માંગો છો. આ દરમિયાન ખડગેએ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગૃહમાં વિરોધ પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે.
આ પણ વાંચો: ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઓર્ડર અપાયો
નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો
મલ્લિકાર્જુન ખડગેએ અરુણ જેટલીનો ઉલ્લેખ કર્યો છે, તેના પર જે. પી. નડ્ડાએ કહ્યું કે, 'ડિસ્ટર્બન્સ (વિક્ષેપ) કરવાના બીજા પણ ઘણા રસ્તા છે, એટલે તમારે અમારી પાસેથી ટ્યુશન લેવું જોઈએ. જો તમે લાકડી ઉછાળો અને તે લાકડી મારા નાક પર વાગે તો તમારી લોકશાહી ત્યાં જ ખતમ થઈ જાય છે. તેથી, વિપક્ષની લોકશાહી ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે તમે તમારી જગ્યા છોડીને કોઈની પાસે આવીને સૂત્રોચ્ચાર કરો છો અને જે બોલી રહ્યા છે, તેને રોકો છો. આવું કરવું એ લોકશાહીનો ભાગ નથી.'