છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Magneto Mall in Raipur: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં થયેલી હિંસા અને કથિત ગેરકાયદેસર ધર્માંતરણના વિરોધમાં વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા બુધવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાયપુર, કાંકેર, દુર્ગ, જગદલપુર અને બિલાસપુર સહિતના મુખ્ય શહેરોમાં સવારથી જ બજારો અને શાળાઓ બંધ રહ્યા હતા.
મેગ્નેટો મોલમાં તોડફોડ અને હંગામો
રાયપુરમાં બંધ દરમિયાન સ્થિતિ ત્યારે તંગ બની જ્યારે પ્રદર્શનકારીઓ રાયપુરના પ્રખ્યાત મેગ્નેટો મોલમાં ઘૂસી ગયા હતા. અહીં ક્રિસમસની ઉજવણી માટે કરવામાં આવેલી સજાવટ અને સામાનને કાર્યકરોએ ફેંકી દીધો હતો અને તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા જ તેલીબાંધા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, મોલ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
વાહન-વ્યવહાર અને જનજીવન પ્રભાવિત
બંધના કારણે રાયપુરમાં બસ અને ઓટો રિક્ષા સેવાઓને માઠી અસર થઈ હતી. સર્વ આદિવાસી સમાજના કાર્યકરોએ આંતરરાજ્ય બસ સ્ટેન્ડ પર પહોંચીને બસોની અવરજવર અટકાવી દીધી હતી. આ ઉપરાંત, આમાનાકા વિસ્તારમાં પેટ્રોલ પંપ બંધ કરાવવાને લઈને પણ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો: રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો
ધર્માંતરણ મહિલાના ઘર પર હુમલો
કાંકેર જિલ્લાના આમાબેડા સ્થિત ઉસેલી ગામમાં ફરી એકવાર હિંસા ભડકી હતી. અહીં ઈસાઈ ધર્મ અપનાવનારી એક મહિલા, રામબાઈ તારમના ઘર પર ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી. મહિલાનો આરોપ છે કે તે હિન્દુ ધર્મમાં પાછી આવવા માંગતી નથી, તેથી તેના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમજ ધમતરીમાં સર્વ હિન્દુ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ધર્માંતરણ અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ, મુખ્યમંત્રીને સંબોધીને 5 મુદ્દાઓનું આવેદનપત્ર એસડીએમ કચેરીએ સુપરત કરવામાં આવ્યું હતું.









